ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગના એક ભાગરૂપે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે. સંપૂર્ણ ભારતમાં પણ 14 એપ્રિલ સુધીનું લોકડાઉન અમલમાં છે.
સરકારે ગુરૂવારે (26 માર્ચ) કરેલી જાહેરાત મુજબ ગયા સપ્તાહે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપર એક સપ્તાહનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તે હવે વધુ બે સપ્તાહ લંબાવાયો છે. આ પ્રતિબંધ જો કે, કાર્ગો ફલાઈટ્સને કે પછી ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા અપાયેલી મંજુરી મુજબની સ્પેશિયલ ફલાઈટ્સને લાગું પડશે નહીં.
ભારતમાં ડોમેસ્ટિક ફલાઈટ્સ પણ 31 માર્ચ સુધી બંધ કરાઈ છે. તે ઉપરાંત, રેલવે સેવાઓ, ઈન્ટર સ્ટેટ બસ સેવાઓ તેમજ તમામ પ્રકારની જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ કોરોના સામેના લોકડાઉન હેઠળ બંધ કરવામાં આવી છે.
ભારતમાં ડોમેસ્ટિક ફલાઈટ્સનો પ્રતિબંધ પણ 14 એપ્રિલ સુધી લંબાયો
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં 21 દિવસનો રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યા પછી તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. ગુરૂવારે ડીજીસીએ દ્વારા ભારતથી ટેક-ઓફ કરનારી અને ભારતમાં લેન્ડ કરનારી તમામ ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી હતી, તો શુક્રવારે તે પ્રતિબંધ દેશની અંદરની વિમાની સેવાઓ માટે પણ લાગું કરવાની જાહેરાત કરાઈ હતી.
શુક્રવારે ડીજીસીએના ડેપ્યુટી ડાયરેકટર જનરલે જારી કરેલા એક મેમોમાં જણાવ્યું હતું કે, દેશની અંદર તમામ શિડ્યુલ્ડ, નોન-શિડયુલ્ડ તથા ખાનગી વિમાનોના સંચાલન ઉપર પણ પ્રતિબંધની મુદત 31 માર્ચ સુધીની હતી, તે લંબાવીને 14 એપ્રિલ સુધીની કરવામાં આવી છે.
આ સંજોગોમાં જો કે, તમામ એરપોર્ટ્સ કાર્યરત રહેશે અને ડીજીસીએ દ્વારા અપાયેલી ખાસ મંજુરી મુજબની ફલાઈટ્સનું સંચાલન થઈ શકશે તેમજ ભારતીય હવાઈ સીમા ઉપરથી પસાર થતી કોઈપણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને પણ ઈમરજન્સી લેન્ડિંગની જરૂર પડે તો તે માટે એરપોર્ટ્સની સેવાઓ પ્રાપ્ય રહેશે.
ફલાઈટ્સ બંધ થતાં એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતની મુખ્ય અને સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાને રોજનું રૂ. 30-35 કરોડનું નુકશાન થવાની ધારણા છે.
આ સૂત્રે જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ એરલાઈન એકપણ કોમર્સિયલ ફલાઈટનું સંચાલન કરશે નહીં અને તેમછતાં એર ઈન્ડિયાને રોજનું રૂ. 30 થી 35 કરોડનું નુકશાન થવાનો અંદાજ છે. સ્ટાફના પગાર, એલાવન્સીઝ, લીઝ રેન્ટલ્સ, મિનિમમ મેઈનટેનન્સ તથા વ્યાજની ચૂકવણીના કારણે આ નુકશાન થશે. એર ઈન્ડિયાની દરરોજની આવકો અંદાજે રૂ. 60 થી 65 કરોડની રહે છે અને તેમાંથી મોટાભાગની આવક – લગભગ 90 ટકા મુસાફરીની રેવન્યુમાંથી થતી હોય છે. તેની સામે ખર્ચ પણ લગભગ એટલો જ હોય છે, જેના પગલે વ્યાજ, ટેક્સ, ઘસારા વગેરે ખર્ચને ધ્યાનમાં લેવાય નહીં તો એરલાઈન સામાન્ય કમાણી અને નફો કરે છે. તેની સામે એર ઈન્ડિયાનું કુલ પગાર બિલ જ લગભગ દર મહિને રૂ. 250 કરોડનું થાય છે. તે ઉપરાંત, દર મહિને વ્યાજની ચૂકવણીની જવાબદારી પણ રૂ. 225 કરોડની રહે છે.