એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુન અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી 840 વિમાનનો ઓર્ડર આપ્યો છે, જેમાં વધારાના 370 વિમાન ખરીદવાના વિકલ્પનો સમાવેશ થાય છે. એરલાઇનને 470 વિમાનો (એરબસ પાસેથી 250 અને બોઇંગ પાસેથી 220) વિમાનના ફર્મ ઓર્ડરની જાહેરાત કર્યા બાદ અધિકારીએ આ જાહેરાત કરી હતી.
એક લિંક્ડઇન પોસ્ટમાં તેમણે કહ્યું કે 840 વિમાનનો આ ઓર્ડર એક રસપ્રદ સફરની પરાકાષ્ઠા છે જે લગભગ બે વર્ષ પહેલા એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાથી શરૂ થઈ હતી. આ ઓર્ડરમાં આગામી દાયકામાં એરબસ અને બોઈંગ પાસેથી 470 ફર્મ એરક્રાફ્ટ, 370 ઓપ્શન અને ખરીદીના અધિકારોનો સમાવેશ થાય છે.
આધુનિક ઉડ્ડયન ઇતિહાસમાં એરલાઇન દ્વારા આ સૌથી મોટા એરક્રાફ્ટ ઓર્ડર પૈકીનો એક છે. એરબસ ફર્મ ઓર્ડરમાં 210 A320/321 Neo/XLR અને 40 A350-900/1000નો સમાવેશ થાય છે. બોઇંગ ફર્મ ઓર્ડરમાં 190 737-મેક્સ, 20 787 અને 10 777નો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે “અમે સીએફએમ ઇન્ટરનેશનલ (સીએફએમ), રોલ્સ-રોયસ અને જીઇ એરોસ્પેસ સાથે એન્જિનના લાંબા ગાળાની જાળવણી માટે પણ સમજૂતી કરી છે.”
જાન્યુઆરી 2022માં ટાટા ગ્રૂપ દ્વારા સરકાર પાસેથી હસ્તગત કરાયેલી એર ઈન્ડિયાએ 17 કરતાં વધુ વર્ષોમાં પ્રથમ વખત વિમાનોનો ઓર્ડર આપ્યો છે. પ્રથમ A350 પ્લેન આ વર્ષના અંત સુધીમાં એરલાઇનને આપવામાં આવશે.
અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઓર્ડર એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈનમાં પરિવર્તિત કરવા અને ભારતને વિશ્વના દરેક મોટા શહેરો સાથે “નોન-સ્ટોપ” જોડવાની ટાટા ગ્રૂપના વિઝન અને આકાંક્ષા દર્શાવે છે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા-એરબસ ટ્રાન્ઝેક્શનને “સીમાચિહ્નરૂપ ડીલ” તરીકે વર્ણવ્યું હતું જે ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડન સાથે વડા પ્રધાને પણ પરસ્પર લાભદાયી સહકારના તેજસ્વી ઉદાહરણ તરીકે એર ઇન્ડિયા અને બોઇંગ વચ્ચેના સીમાચિહ્નરૂપ કરારને આવકાર્યો હતો.