નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એર ઇન્ડિયાના કર્મચારીઓને ફરીથી ખાતરી આપી છે કે, એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા પૂરી થતાં સુધી એરલાઈનની સેવાઓ ઓપરેશનલ રહેશે.
એર ઇન્ડિયાના કર્મચારીઓના યુનિયનો સાથેની બેઠકને સંબોધતાં પુરીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા તેના ખાનગીકરણ સુધી કાર્યરત રહેશે અને યુનિયનો સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપે. પુરીએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, સરકારી માલિકીની એરલાઇનના પાઇલોટો અને એન્જિનિયરો નોટિસ પીરિયડ જતો કરવાની માગણી કરી રહ્યા છે પરંતુ એરલાઇન ચાલુ રાખવા માટે પાઇલોટો અને એન્જિનિયરો માટે પણ આવશ્યક છે.
ઇન્ડિયન કોમર્શિયલ પાઇલોટ એસોસિયેશને ઉડ્ડયન પ્રધાનને ગત મહિને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, તેમને (પાઇલોટો) પગાર અને અન્ય લ્હેણાં સમયસર ચૂકવાતા નહીં હોવા છતાં સરકાર તેમને (પાઇલોટો) જકડી રાખે છે તે વ્યાજબી નથી.
એર ઇન્ડિયાનું ખાનગીકરણ 31, માર્ચ, 2020 સુધીમાં નહીં કરાય તો એરલાઇન બંધ કરવી પડશે તેવા ઉડ્ડયન પ્રધાનના નિવેદનને ચિંતાજનક ગણાવતાં યુનિયન્સે ઉમેર્યું હતું કે, આવી અનિશ્ચિતતા વચ્ચે સરકાર તેમને (પાઇલોટો) વેઠિયા મજૂર બનાવી રાખે તે વ્યાજબી નથી. એર ઇન્ડિયાના યુનિયનમાં 800 પાઇલોટો સભ્ય છે જેમાંથી 65 પાઇલોટો રાજીનામા આપી ચૂક્યા છે. હાલમાં છ મહિના નોટિસ પીરિયડ ઉપર છે જે હવે પૂરો થવાના આરે છે.