એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટને ઉપડવામાં 20 કલાકના વિલંબ બદલ સરકારે એરલાઇન્સને કારણદર્શક નોટિસ ફટકારી હતી. દિલ્હી એરપોર્ટ ખાતેના વીડિયોમાં આ ફ્લાઇટના મુસાફરોને એરોબ્રિજ કોરિડોર પર નીચે પડેલા દર્શાવવામાં આવ્યા હતા. ઘણા મુસાફરોએ એસી વગર વિમાનની અંદર ગભરામણ થવાની ફરિયાદ કરી હતી. એર ઈન્ડિયાના સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, “સંચાલન સંબંધિત કારણોસર” ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને આ સમસ્યા ઉકેલાઈ ત્યાં સુધીમાં, ફ્લાઇટના ડ્યુટી સમયની મર્યાદાઓ શરૂ થઈ ગઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની નોટિસ દ્વારા એર ઇન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે, 50 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં દિલ્હીમાં મુસાફરોની તકલીફ ઘટાડવા માટે કેમ કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
નિયમનકાર- ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તેની શો-કોઝ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, “DGCAના ધ્યાન પર આવ્યું છે કે ફ્લાઇટ્સને ખૂબ જ વિલંબ થયો હતી અને કેબિનમાં પર્યાપ્ત ઠંડક નહીં હોવાના કારણે મુસાફરોએ અસ્વસ્થતા અનુભવી હતી.”
નિયમનકારે એ પણ નોંધ્યું હતું કે એર ઈન્ડિયા “મુસાફરોની જરૂરી કાળજી લેવામાં વારંવાર નિષ્ફળ રહી છે”, અને બોર્ડિંગ ન આપવા, ફ્લાઈટ્સ રદ કરવી અને ફ્લાઈટ્સમાં વિલંબને કારણે એરલાઇન્સ દ્વારા મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ સંબંધિત તેની જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી.”
આ AI 183 ફ્લાઇટના બોઇંગ 777 વિમાનમાં અંદાજે 200 મુસાફરો હતા, જે ગત ગુરુવારે સવારે 3.30 કલાકે ઉપડવાની હતી પરંતુ તેમાં ફેરફાર છ કલાક જેટલો વિલંબ થયો હતો. શરૂઆતમાં, ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને બીજા વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા, પરંતુ તેમાં એર કંડિશનિંગ સિસ્ટમ કામ કરતી ન હોવાથી કેટલાક લોકો બેભાન જેવા થઈ ગયા હતા. આ વિમાનમાં વૃદ્ધો અને બાળકો હતા, તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા હોવાનું એક મહિલા મુસાફરે જણાવ્યું હતું.

LEAVE A REPLY