આશરે 300થી વધુ કર્મચારીઓની સામૂહિક બીમારીની રજાથી સંખ્યાબંધ ફ્લાઇટ કેન્સલ થયા પછી એર ઈન્ડિયા એક્સપ્રેસે ગુરુવાર, 9 મેએ ઓછામાં ઓછા 30 કેબિન ક્રૂની હકાલપટ્ટી કરી હતી અને અન્ય કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસ ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયાની લો-કોસ્ટ એરલાઇન છે. વેતન પેકેજને મુદ્દે કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જતાં એરલાઇન્સમાં કટોકટી ઊભી થઈ છે. ગુરુવારે કુલ 85 ફ્લાઇટ રદ કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓ નોકરીની નવી શરતો સામે વિરોધ કરી રહ્યા છે.ક્રૂ મેમ્બર્સ તેમના વેતન પેકેજમાં કેટલાક ફેરફારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ કટોકટી ટાટા જૂથ માટે તાજી મુશ્કેલી છે. એક મહિના પહેલા વિસ્તારાના પાયલટ્સે તેમના રોસ્ટરિંગ અને તેમના પગાર પેકેજમાં ફેરફાર સહિતના ઘણા મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો અને તેનાથી સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ થઈ હતી. એક નિવેદનમાં એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતું કે તે “આ અણધારી પરિસ્થિતિને કારણે અમારા મહેમાનોને થતી અસુવિધાને ઘટાડવા માટે શક્ય પ્રયાસ કરી રહી છે. અમે આજે 283 ફ્લાઇટ્સનું સંચાલન કરીશું.જો કે, અમારી 85 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને અમે ગ્રાહકોને એરપોર્ટ જતાં પહેલા સ્ટેટસ ચેક કરવાનો અનુરોધ કરીએ છીએ.
ટાટા ગ્રૂપની એરલાઇનમાં મર્જરની તકલીફો યથાવત છે. બજેટ એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ મંગળવારથી એકસાથે સિક લીવ પર ઉતરી ગયા પછી આગામી કેટલાક દિવસો માટે તેના શેડ્યૂલમાં લગભગ 11%ની ફ્લાઈટ્સનો ઘટાડો કર્યો છે. એરલાઇન દરરોજ 350-400 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જેમાંથી 250 સ્થાનિક અને 120 આંતરરાષ્ટ્રીય છે. તે 13 મે સુધી દરરોજ લગભગ 40 ફ્લાઇટ્સ કટઓફ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.