એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચેની સીમાચિહ્નરૂપ ડીલથી અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે અને દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે, એમ પ્રેસિડન્ટ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોનકોલમાં જણાવ્યું હતું.
બોઇંગ અને એર ઇન્ડિયાએ મંગળવારે (14 ફેબ્રુઆરી)ના રોજ એક મેગા ડીલની જાહેરાત કરી હતી, જે હેઠળ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન 34 બિલિયન ડોલરમાં કુલ 220 વિમાનો ખરીદશે. આ ડીલમાં 190 B737 મેક્સ, 20 B787, અને 10 B777X કુલ 220 વિમાનનો સમાવેશ થાય છે. આ ડીલમાં વધારાના 50 બોઇંગ 737 મેક્સ અને 20 બોઇંગ 787નો પણ સમાવેશ થાય છે. આમ આ ડીલમાં કુલ 290 વિમાનનો સમાવેશ થાય છે અને તેનું કુલ મૂલ્ય 45.9 બિલિયન ડોલર છે.
મોદી સાથે સીમાચિહ્નરૂપ ડીલની ચર્ચાવિચારણા કરતાં બાઇડને જણાવ્યું હતું કે, તેઓ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આતુર છે. આ ખરીદી 44 રાજ્યોમાં એક મિલિયનથી વધુ અમેરિકન નોકરીઓને ટેકો આપશે.એર ઈન્ડિયાનો ઓર્ડર બોઈંગ માટે ડોલર મૂલ્યમાં સંદર્ભમાં ત્રીજા ક્રમનો અને વિમાનની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમનો સૌથી મોટો ઓર્ડર છે.
ફોન કોલ દરમિયાન, બંને નેતાઓએ યુએસ-ભારત સંબંધોની મજબૂતાઈની પુનઃ પુષ્ટિ પણ કરી હતી અને બંને દેશો માટે આર્થિક વિકાસને આગળ વધારવા અને સહિયારી પ્રાથમિકતાઓ પર સહકારને વિસ્તૃત કરવા માટે ક્વાડ જેવા જૂથોમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.