જાહેર ક્ષેત્ર એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના માલિકી હકનું હસ્તાંતરણ 27મી જાન્યુઆરી 2020ના રોજ ટાટા ગ્રૂપને કરવામાં આવ્યુ છે અને આ સાથે 69 વર્ષ બાદ તેની ટાટા ગ્રૂપમાં ‘ઘરવાપસી’ થઇ છે.
એર ઇન્ડિયાની ટાટા ગ્રુપને સત્તાવાર સોંપણી પહેલા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે મોદી અને ટાટા ચેરમેન વચ્ચેની મુલાકાતનો ફોટો જાહેર કર્યો છે. એર ઇન્ડિયાનું સત્તાવાર હેન્ડઓવર છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ખાનગીકરણનો પ્રથમ મોટો સફળ સોદો હશે.
આ હસ્તાંતરણની પ્રક્રિયા સાથે એર ઈન્ડિયાનું વર્તમાન બોર્ડ રાજીનામું આપશે. ત્યાર પછી ટાટા જૂથ દ્વારા નોમિનેટ લોકો બોર્ડમાં જૂના સભ્યોની જગ્યા લઈ શકશે. જોકે, એર ઈન્ડિયાના હસ્તાંતરણની સંપૂર્ણ કામગીરી પૂરી થતાં અને ટાટા જૂથના બેનર હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના ઉડ્ડયનને હજુ થોડોક સમય લાગશે.
એર ઈન્ડિયાનું સંચાલન હાથમાં લેતાં જ ટાટા જૂથે કામ શરૂ કરી દીધું છે. તાતા જૂથે ગુરુવારે મુંબઈથી સંચાલિત ચાર ઉડ્ડયનોમાં ‘એનહાન્સ મીલ સર્વિસ’ શરૂ કરવાનું પહેલું પગલું લીધું છે. ટાટા જૂથ ક્રમશઃ ‘એડવાન્સ ફૂડ સર્વિસ’ અન્ય ફ્લાઈટ્સમાં શરૂ કરશે. જોકે, ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સે તાતા જૂથના બેનર હેઠળ ઉડ્ડયન શરૂ કર્યું નથી.
એર ઇન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટાએ કરી હતી. ત્યાર બાદ તેનું વર્ષ 1953માં રાષ્ટ્રીયકરણ કરતા માલિકી સરકારના હાથમાં જતી રહી. રાષ્ટ્રીયકરણ બાદ પણ જેઆરડી ટાટા વર્ષ 1977 એટલે કે 25 વર્ષ સુધી એર ઇન્ડિયાના ચેરમેન તરીકે કાર્યરત કર્યા હતા. હેન્ડઓવર પહેલા ટાટા ગ્રુપે પણ એરલાઇનને લઇને પહેલાથી જ ફેરફારની સંપૂર્ણ યોજના બનાવી લીધી છે. ગુરૂવારે મુંબઈ જતી ચાર ફ્લાઈટમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. ટાટા ગ્રુપે ગયા વર્ષે ઓક્ટોબરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે એર ઇન્ડિયા અને એઆઇએસએટીએસમાં ૫૦ ટકા હિસ્સો હસ્તગત કરવાની બિડ જીતી હતી. નોંધનિય છે કે, ઓક્ટોબરમાં સરકારે ખોટ કરી રહેલી એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપની રૂ. 18,000 કરોડની બીડને મંજૂરી આપી હતી.