14 એપ્રિલ સુધી ભારતમાં લૉકડાઉન વચ્ચે દેશમાં ફસાયેલા વિદેશીઓને બહાર કાઢવા એર ઇન્ડિયા 4 એપ્રિલથી 7 એપ્રિલની વચ્ચે દિલ્હી-લંડન રૂટ પર ચાર ફ્લાઇટ્સનું અને 5 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન મુંબઇ-લંડન રૂટ પર ફ્લાઇટ્સ ઉડાવનાર છે એમ ગુરુવારે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતુ. બીજી તરફ ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને તાકીદે વતન બ્રિટન લાવવા માટે 50 કરતા વધારે એમપીઓએ ડોમિનીક રાબને એક પત્ર લખીને ઝડપથી વ્યાપક યોજના બનાવી સૌને પરત લાવવા વિનંતી કરી છે.
લોકડાઉન વચ્ચે એર ઇન્ડિયા ભારતમાં ફસાયેલા વિદેશીઓને બહાર કાઢવા માટે ઇઝરાઇલ અને જર્મનીની વિશેષ ફ્લાઇટ્સ પહેલેથી જ હાથ ધરી છે.
ભારતમાં કાર્યકારી બ્રિટીશ હાઈ કમિશનર, જેન થોમ્પસને જણાવ્યું હતું “અમે અમારી ટ્રાવેલ એડવાઇઝ અને સોશિયલ મીડિયા ચેનલો પર જે તે સમયે ભારતથી ઉપડનાર ફ્લાઇટ્સના ચોક્કસ સમય અને એરપોર્ટની માહિતી જાહેર કરીશું.”
બીજી તરફ ગોવામાં ફસાયેલા બ્રિટીશ સીટીઝન્સ માટે ગોવાથી ઇટાલી અને ત્યાંથી લંડનની ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોવાથી રોમની અલઇટાલીયાની ફ્લાઇટ તા. 3 એપ્રિલના રોજ સવારે 3 કલાકે ઉપડશે અને તેમાં મર્યાદિત બેઠકો જ છે. એર ઇટાલિયા દ્વારા યુકેના મુસાફરોને લંડન લવાશે.
દરમિયાનમાં ભારતીય હાઇ કમિશને અગાઉ “ફ્લાઇટ્સની ફરતી ખોટી અફવાઓ” વિષે ચેતવણી આપી હતી અને જણાવ્યુ હતુ કે કૌભાંડોમાં ફસાશો નહિ.
હાલમાં ભારતમાં તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ પેસેંજર ફ્લાઇટ્સ આ સમયગાળા માટે સ્થગિત કરવામાં આવી છે. અત્યારે ડીજીસીએ દ્વારા કાર્ગો ફ્લાઇટ્સ અને માન્ય ફ્લાઇટ્સને વિશિષ્ટ રૂપે મંજૂરી આપવામાં આવી છે.
50 જેટલા મુખ્યતવે લેબર એમપીઝે ડોમિનીક રાબને લખેલા પત્રમાં જણાવ્યુ હતુ કે ‘’અમારા મત વિસ્તારના લોકો ભારતમાં ફસાયેલા છે અને યુકે પાછા ફરવા અસમર્થ છે. એવા અહેવાલ છે કે તેઓ રહેઠાણ માટે તેમ જ દવા માટે પૈસા આપવા અસમર્થ છે અને ઓછા પૈસાથી ચલાવી રહ્યા છે. ભારત તરફથી 14મી એપ્રિલ કે લાંબા સમય સુધી ફ્લાઇટ શરૂ કરાય તેવી શક્યતાઓ નથી ત્યારે વિશેષ વિમાનો ચાર્ટર કરી ભારતીય સરકાર સાથે વ્યવસ્થા કરી તમામ બ્રિટિશ નાગરિકોને પરત લાવવા જરૂરી છે. આ માટે ભારતના વિવિધ વિસ્તારોમાંથી ફ્લાઇટ ઉડાન ભરે અને લોકો એરપોર્ટ સુધી આવી શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
પત્રમાં સહી કરનાર સાંસદોમાં જેમ્સ મુરે (ઇલિંગ નોર્થ), રુશનારા અલી (બેથનલ ગ્રીન અને બો), તાહિર અલી (બર્મિંગહામ, હોલ ગ્રીન), જોન એશવર્થ (લેસ્ટર સાઉથ) અપ્સાના બેગમ (પોપ્લર અને લાઈમહાઉસ), ડોન બટલર (બ્રેન્ટ સેન્ટ્રલ), બેરી ગાર્ડિનર (બ્રેન્ટ નોર્થ), રૂપા હક (ઇલિંગ સેન્ટ્રલ અને એક્ટન), અફઝલ ખાન (માન્ચેસ્ટર, ગૉર્ટન), સીમા મલ્હોત્રા (ફેલ્ધામ અને હેસ્ટન), નાઝ શાહ (બ્રેડફર્ડ વેસ્ટ), વીરેન્દ્ર શર્મા (ઇલિંગ, સાઉથૉલ), ઝારા સુલતાના (કોવેન્ટ્રી સાઉથ), ગેરેથ થોમસ (હેરો વેસ્ટ), સ્ટીફન ટિમ્સ (ઇસ્ટ હામ), ક્લાઉડિયા વેબ (લેસ્ટર ઇસ્ટ) અને અન્ય હતા.