ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના ચેરમેન તરીકે નટરાજન ચંદ્રશેખરનની નિયુક્તિ કરી છે. તેમની નિમણુકને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મંજૂરી આપી છે. ટાટા ગ્રૂપે અગાઉ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ (સીઇઓ) તરીકે ટર્કીના ઇલ્કર આયસીના નામની જાહેરાત કરી હતી, પરંતુ તેમનો ભારતમાં જોરદાર વિરોધ થયો હતો. તેનાથી આયસીએ એર ઇન્ડિયાના સીઇઓ બનવાનો ઇનકાર કર્યો હતો.
ટાટા સન્સ ટૂંક સમયમાં એર ઇન્ડિયાના નવા સીઇઓની જાહેરાત કરે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાંક દિવસમાં વિચારવિમર્શ બાદ નવા સીઇઓના નામને આખરી આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ટાટા સન્સ એર ઇન્ડિયાના સંચાલકીય પડકારોનો સામનો કરવા માટે શક્ય તેટલાં વહેલા નવા સીઇઓની નિમણુક કરવા આતુર છે.
ટાટા ગ્રૂપ હવે એર ઇન્ડિયાનું વિસ્તરણ કરવાની તથા તેના વિમાન કાફલાને આધુનિક બનાવવાની યોજના ધરાવે છે. ચંદ્રશેખરને તાજેતરમાં એરલાઇનના કર્મચારીઓને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના બેઝિક સર્વિસ સ્ટાન્ડર્ડ, ઓન-ટાઇમ પર્ફોર્મન્સ, પેસેન્જર્સની ફરિયાદો, કસ્ટમર કોલ સેન્ટર આગામી મહિનામાં ટોચની પ્રાથમિકતા રહેશે.
એન ચંદ્રશેખરન હાલમાં ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન છે. ટાટા ગ્રૂપ તેની આ હોલ્ડિંગ કંપની મારફત ગ્રૂપની 100થી વધુ કંપનીઓનું સંચાલન કરે છે. તેઓ ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ થયો હતો અને જાન્યુઆરી 2017માં ચેરમેન બનાવામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન ટાટા ગ્રૂપના પ્રથમ નોન પારસી અને પ્રોફેશનલ એક્ઝિક્યુટિવ છે.