એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે તર્કિશ એરલાઇન્સના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર આયસીની નિયુક્તી કરવામાં આવી છે. આ અંગેની સોમવારે જાહેરાત કરતા ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે જણાવ્યું હતું કે બોર્ડે પૂરતી ચર્ચાવિચારણા પછી એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી તરીકે ઇલ્કર આયસીની નિમણૂકને બહાલી આપી છે. તેઓ પહેલી એપ્રિલ 2022ના રોજ અથવા તે પહેલા એર ઇન્ડિયાના વડાનો હવાલો સંભાળશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને જણાવ્યું હતું કે ઇલ્કર એવિયેશન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને તેમના કાર્યકાળમાં તર્કિશ એરલાઇન્સને સફળતા હાંસલ કરી હતી. અમે ટાટા ગ્રૂપમાં ઇલ્કરને આવકારીએ છીએ. તેઓ એર ઇન્ડિયાને નવા યુગમાં લઈ જશે. ટાટા સન્સે એક યાદીમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના બોર્ડે આયસીની ઉમેદવારીની વિચારણા કરવા બેઠક યોજી હતી.
આયસીનો જન્મ 1971માં ઈસ્તંબુલમાં થયો હતો. 51 વર્ષીય આયસી, તુર્કીના બિલ્કેન્ટ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના 1994 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 1995માં તેમણે ઈંગ્લેન્ડની લીડ્સ યૂનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ પર એક રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આયસીએ જણાવ્યું હતું કે “આઇકોનિક એરલાઇનનું નેતૃત્વ કરવાનો અને ટાટા ગ્રૂપમાં સામેલ થવાનું મને સન્માન મળ્યું છે. એર ઇન્ડિયામાં મારા સહયોગી અને ટાટા ગ્રૂપના નેતૃત્વ સાથે કામગીરી કરીને અમે વિશ્વમાં એર ઇન્ડિયાને શ્રેષ્ઠ એરલાઇન્સ બનાવવા માટે તેના મજબૂત વારસાનો ઉપયોગ કરીશું તથા મુસાફરોને ભારતીય આતિથ્ય અને સત્કાર સાથે ઉડ્ડયનનો ચડિયાતો અનુભવ કરાવીશું.” તાજેતરમાં ભારત સરકારે એર ઇન્ડિયાનું સુકાન ટાટા ગ્રૂપને સોંપ્યું હતું. એર ઇન્ડિયા પાસેથી ડોમેસ્ટિક એરપોર્ટમાં આશરે 4,400 ડોમેસ્ટિક અને 1,800 ઇન્ટરનેશનલ લેન્ડિંગ એન્ડ પાર્કિંગ સ્લોટ છે. તે વિદેશમાં આશરે 900 સ્લોટ ધરાવે છે.