કેનેડાની સૌથી મોટી એરલાઇન-એર કેનેડાએ ભારતમાં ફ્લાઇટનું નેટવર્ક વિસ્તારવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. આ વિસ્તરણ અંતર્ગત આવનારી શિયાળાની સીઝન માટે ઓક્ટોબરના અંતથી બેઠકોની ક્ષમતામાં 40 ટકાનો વધારો કરવામાં આવશે. એરલાઇનના જણાવ્યા મુજબ તેઓ શિયાળાની સીઝનમાં દર અઠવાડિયે 7400 બેઠકો સાથે 25 સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જેમાં 11 અઠવાડિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ્સ ટોરોન્ટોથી દિલ્હી અને મુંબઇ, મોન્ટ્રીલથી દિલ્હીની દૈનિક ફ્લાઇટસ તેમ જ દિલ્હીથી વાયા લંડન હીથ્રોથી વેસ્ટર્ન કેનેડાની દૈનિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
એર કેનેડાના જણાવ્યા મુજબ, આ નવી ફ્લાઇટ્સમાં કેનેડાથી મુંબઇની નોન-સ્ટોપ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે.
એર કેનેડામાં રેવન્યુ અને નેટવર્ક પ્લાનિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક ગેલાર્ડોએ જણાવ્યું હતું કે, એર કેનેડા માટે ભારત એક મહત્ત્વનું બજાર છે. બંને દેશો વચ્ચે પારિવારિક અને વ્યાપારિક સહયોગ વધી રહ્યો છે. આથી અમે દિવાળીના તહેવારો માટે મુંબઇ અને દિલ્હીના નેટવર્કનું વિસ્તરણ કરીને ઉત્સાહિત છીએ. અમે કેનેડા અને ભારત વચ્ચે વધુ મુસાફરીના વિકલ્પ આપી રહ્યા છીએ. ટોરોન્ટોથી મુંબઇની નોન-સ્ટોપ ફ્લાઇટ માટે બોઇંગ 777-200LR વિમાનનો ઉપયોગ કરવામાં આવશે.
કેનેડામાં 1.8 મિલિયન ભારતીયો કાયમી નિવાસ ધરાવે છે, અને એક મિલિયન ભારતીયો હંગામી ધોરણે વસે છે.

LEAVE A REPLY