ગુજરાત એક દિવસના પ્રવાસે આવેલા ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જાહેરાત કરી હતી કે 2022માં અમારી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્યમાં અમે કેટલીક બેઠક પર પોતાનુ સંગઠન મજબૂત કરી રહ્યા છે.
ઓવૈસીએ કહ્યું છે કે ગુજરાતમાં અમે કેટલી બેઠક પર ચૂંટણી લડીશુ તેનો નિર્ણય અમારું ગુજરાત એકમ કરશે. વિધાનસભા ચૂંટણી તાકાતથી લડીશુ. ઓવૈસીએ કહ્યું હતું કે વર્ષ 1984 બાદથી ગુજરાતમાં કોઈ મુસ્લિમ સાંસદ નથી. AIMIM ભાજપની બી-ટીમ તરીકે કામ કરે છે તેવા કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્ય કેમ છે. રાજ્યમાં ઓછામાં ઓછા 10થી 11 મુસ્લિમ ધારાસભ્ય હોવા જોઇએ.
કોંગ્રેસ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું હતું, તેમના નેતા રાહુલ ગાંધીએ પોતાની પારંપરિક બેઠક અમેઠી ગુમાવી દીધી છે. તેમણે વાયનાડ પણ એટલે જીત્યુ કેમ કે ત્યાં લગભગ 35 ટકા મતદાતા લઘુમતી છે.
ઓવૈસી અમદાવાદની સાબરમતી જેલમા બંધ ઉત્તરપ્રદેશના ડોન અતીક અહેમદને મળવા માગતા હતા. પરંતુ જેલ વહીવટીતંત્રએ આની પરવાનગી આપી ન હતી, જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે અતીક સાથે માત્ર તેમના પરિજન અથવા સંબંધી જ મળી શકે છે.