ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને ન્યૂ મોબિલિટી સર્વિસિસ પર ફોકસ કરવાની યોજનાના ભાગરૂપે હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડે શુક્રવારે તેની બ્રિટન ખાતેની પેટાકંપની ઓપ્ટેરનું નામ બદલીને સ્વિચ મોબિલિટી રાખ્યું છે અને કંપનીના સમગ્ર ઇલેક્ટિકલ વ્હિકલ (EV) બિઝનેસ આ કંપની હેઠળ લાવવાની જાહેરાત કરી હતી. વૈશ્વિક એલસીવી અને બસ EV માર્કેટમાં વૃદ્ધિની તકનો લાભ લેવાની કંપનીની વ્યૂહરચના છે. આ માર્કેટ 2030 સુધીમાં વાર્ષિક સરેરાશ 25 ટકા વૃદ્ધિ સાથે 50 અબજ ડોલરનું થવાનો અંદાજ છે. બજારની આ તકનો લાભ લેવા માટે અશોક લેલેન્ડે સ્વિચ મારફત તેની EV યોજનાને આગળ ધપાવવાનું આયોજન કર્યું છે. નવી કંપની નાણાંકીય ભાગીદારી અને વ્યૂહાત્મક જોડાણનો વિકલ્પ પણ અપનાવશે.
નવો લોગો અને નામ જારી કરતાં અશોક લેલેન્ડના ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે ઓપ્ટેર હવે સ્વિચ તરીકે નવી ઓળખ અને નવો લોગો અપનાવી રહી છે, જે ઇલેક્ટ્રિક અને ગ્રીન મોબિલિટી માટેની અમારી વ્યૂહાત્મક મહત્ત્વકાંક્ષાનો સંકેત આપે છે. આ યોજનાના ભાગરૂપે અશોક લેલેન્ડ સ્વિચ મોબિલિટી લિમિટેડ હેઠળ કંપનીના સમગ્ર EV પ્રોગ્રામને શિફ્ટ કરવાના વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહી છે.
ઓપ્ટેર બ્રિટનના ઇલેક્ટ્રિકલ બસ સેગમેન્ટની અગ્રણી ખેલાડી છે અને હોમ માર્કેટમાં 150થી વધુ બસ સફળતાપૂર્વક ઓપરેટ કરે છે. ઓપ્ટેરને પ્રતિષ્ઠિત 2020 EVIEs એવોર્ડ સમારંભમાં ઓઇએમ ઓફ ધ યર (બસ-કોમર્શિયલ વ્હિકલ)નો એવોર્ડ મળ્યો હતો. લંડનમાં મેટ્રોલાઇનને 30 ઇલેક્ટ્રિક, ડબલ-ડેકર બસની સફળતાપૂર્વક ડિલિવરી બાદ કંપની હાલમાં ટાવર ટ્રાન્ઝિટ લંડન અને ફર્સ્ટ યોર્ક સહિતના ઓપરેટર્સના ઓર્ડર્સ પૂરા કરી રહી છે. બ્રિટનમાં ઓપ્ટેરની આ સફળતાને આધારે સ્વિચનું નિર્માણ થશે. તે યુરોપ, ભારત અને વિશ્વના બીજા દેશોમાં વિસ્તરણ પણ કરશે.
અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ વિપિન સોંઢીએ જણાવ્યું હતું કે અમારા સૂચિત નવા માળખા સાથે સ્વિચ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અને ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ પર ફોકસ સાથે તે અશોક લેલેન્ડનું વૈશ્વિક એકમ બનશે. આ સૂચિત પગલાંથી અશોક લેલેન્ડ નેક્સ્ટ જનરેશન બસ, PODs અને e-LCVs સહિત નવા ઇલેક્ટ્રિક વ્હિકલ પ્લેટફોર્મના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને EV બિઝનેસનું ઝડપથી વિસ્તરણ કરશે. કંપનીએ તાજેતરમાં શેરબજારોને માહિતી આપી હતી કે હિન્દુજા ઓટોમોબાઇલ (યુનાઇટેડ કિંગડમ) દ્વારા લોન ઓપ્ટેરના ઇક્વિટી શેરમાં તબદિલ કરવામાં આવ્યા બાદ ઓપ્ટેરમાં અશોક લેલેન્ડનો હિસ્સો 99.24 ટકાથી ઘટીને 91.63 ટકા થયો છે.