અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં મંગળવારે મોડી રાતે એક યુવકે સાતમાં માળેથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. આ આપઘાત માટે આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું સામે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સોલા પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડિરેક્ટર અંકિત ટાંકે થલતેજમાં પોતાના નિવાસસ્થાનેથી સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પાછળનું કારણ કંપનીમાં નુકસાન અને ડિપ્રેશન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અગાઉ અમદાવાદના વિશાલા વિસ્તારમાં રાજયશ કોમ્પ્લેક્સમાં ગણિતના શિક્ષકે આત્મહત્યા કરી હતી.
મૃતક અંકિત ટાંક મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું તેમજ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી મળી આવી હતી. સોલા પોલીસે આત્મહત્યા કરનાર યુવકના પરિવારનો સંપર્ક કરી આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.