અમદાવાદમાં રવિવાર (10 જુલાઈ)ની સાંજે અને રાત્રે ધમાકેદાર આશરે 14 ઈંચથી વધુ વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે સોમવારે શહેરની શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા લગભગ દસ વર્ષમાં એક જ દિવસમાં 14 ઈંચ જેટલો વરસાદ પડવાની ઘટના નોંધાયા નથી.
રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલ પાણીથી ભરાઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હોસ્પિટલમાં ફસાયેલાં બાળકો અને દર્દીઓની પોલીસે બહાર કાઢ્યાં હતા. અમદાવાદમાં રવિવારે સાંજે અતિભારે વરસાદ વરસ્યો હતો. સાંજે સતત ચાર કલાક સુધી અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યા બાદ મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ અમદાવાદમાં શરૂ થયો હતો.
વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, મકરબા, કોર્પોરેટ રોડ, મેમનગર, શ્યામલ રોડ, શાહીબાગ કેન્ટોન્મેન્ટ, સાયન્સ સિટી રોડ, વાળીનાથ ચોક જેવા વિસ્તારોમાં કલાકો બાદ પણ વરસાદી પાણી ના ઓસરતા લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. ભારે વરસાદને કારણે બિલ્ડિંગોમાં ભોયરામાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરના પાલડી વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જીવરાજ પાર્કમાં તો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરમાં 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે પ્રહલાદનગર રોડ પર આવેલું ઔડાનું તળાવ પણ છલકાયું હતું. જો કે, વધુ પાણી ભરાતા તળાવની પાળી તૂટી જતાં વ્રજવિહાર એપાર્ટમેન્ટનો બેઝમેન્ટ પાર્કિંગ પ્લોટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાર્કિગમાં પડેલા વાહનો લગભગ ડૂબી જ ગયા હતા.
હવામાન ખાતાના આંકડા અનુસાર પાલડી વિસ્તારમાં સૌથી વધુ 9.5 ઈંચ, બોડકદેવ-ઉસ્માનપુરામાં 8 ઈંચ, જોધપુર-મકતમપુરામાં 7 ઈંચ, બોપલ-ગોતામાં 6 ઈંચ, સરખેજ-રાયખડમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ચારેતરફ પાણી ભરાયા હતા.
શહેરના મકરબા, વેજલપુર, પ્રહલાદનગર વિસ્તારની હાલત એવી હતી કે અહીં તમામ ખૂલ્લા પ્લોટ જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી. મકરબા રેલવે ગરનાળું પણ પાણીથી છલોછલ ભરાઈ જતાં તેને રવિવાર રાતથી જ બંધ કરી દેવાયું હતું. રેલવે ટ્રેકની આસપાસનો ભાગ પણ પાણીમાં ડૂબી ગયો હતો.