GettyImages)

વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતાં નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. આશિષ ભાટિયા આવતીકાલે રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.

26 જુલાઈ 2008નો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહિ ભૂલી શકે. એક બાદ એક સાંજના સમયે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટના કેસને હાલના રાજ્યના નવા પોલીસ વડા બનેલા આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.

આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકે નિયુક્તિ થઈ તે પહેલા તેઓ CID, ક્રાઈમ અને રેલવેના DGP હતા. આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. 2002માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોમાંના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી SITના પણ તેઓ સભ્ય હતા.