અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં મહાનગરપાલિકાની બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ, દંડક તરીકે અરુણસિંહ રાજપૂત અને શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની નિયુક્તિ કરવામાં આવી હતી.
આ નિયુક્તિ બાદ અમદાવાદમાં મ્યુનિસિપિલ કમિશનર મુકેશકુમારની અધ્યક્ષતામાં પાલડીના ટાગોર હોલમાં અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા શરૂ થઈ થઈ હતી. નવા જાહેર કરાયેલા મેયર, ડેપ્યુટી મેયરની આ પહેલી સામાન્ય સભા હતી.
સામાન્ય સભાના સ્ટેજ પર કિરીટ પરમારે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટોને સુતરની આંટી પહેરાવી હતી. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે બુકે આપી તેમને આવકાર્યા હતા. મેયરે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની જાહેરાત કરી હતી.
મેયર પદ માટે નામની જાહેરાત બાદ કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક સામાન્ય પરિવાર તેમજ ચાલીમાં રહેનાર વ્યક્તિને મેયર પદ આપવામાં આવ્યું તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને તે સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચે તમામ પ્રયાસો કરાશે.
નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ 160 કાઉન્સિલરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભાજપના અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે જાડેજા, ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.