ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમદાવાદમાં ડીફેન્સ એકસપો ૨૦૨૨ને સ્થગિત કરવાની જાહેરાત પછી હોટેલ ઓકયુપંશી થોડા કલાકોમાં તળિયે જતી રહી હતી. હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટસ એસોસીએશન (એચઆરએ)ના ગુજરાત ચેપ્ટરનો અંદાજ છે કે આનાથી હોસ્પિટાલીટી અને ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને અંદાજે રૂ. એક હજાર કરોડનું ભારે નુકસાન થયુ છે. જાહેરાત થયા પછી તરત જ ઓકયુપન્સીના આંકડા ઘટી ગયા અને ફાઇવ સ્ટાર હોટલો જે સંપૂર્ણપણે બુક થઇ ગઇ હતી. તેમાં અત્યારે ૧૦ ટકાથી ઓછી ઓકયુપન્સી દેખાઇ રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મેગા પ્રદર્શન એરફોર્સ, નેવી અને આંતરીક સુરક્ષા તથા ઇલેકટ્રોનીક સીસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હતું અને તેનો વિષય ‘ભારત-ઉભરતું સંરક્ષણ મેન્યુફેકચરીંગ હબ’ હતું. લગભગ ૮૪૨ પ્રદર્શકોએ આ આયોજન માટે ૭૦ દેશોમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ આયોજનથી રોકાણને પ્રોત્સાહન આપવા, ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવા, ટેકનોલોજી અપનાવવા માટેના નવા માર્ગ શોધવા અને ૨૦૨૪ સુધીમાં પ બીલીયન ડોલરની સંરક્ષણ નિકાસના લક્ષ્યને પુરા કરવામાં યોગદાન આપવાની આશા હતી.
એચઆર એ ગુજરાતના અધ્યક્ષ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ પછી રદ થવાની આ બીજી મોટી ઘટના છે. હોટલ ધંધાર્થીઓને પ્રત્યક્ષ નુકશાન ઉપરાંત કેટરર્સ ટેક્ષી સેવાઓ, ડેકોરેટર્સ, ફેબ્રીકેટર્સ અને અન્યને પણ આનાથી નુકશાન થશે. આનાથી હોસ્પિટલીટી ક્ષેત્ર જે માંડ માંડ પુર્નજીવિત થયુ હતું તેને ભારે નુકશાન થશે.
૧૦ થી ૧૪ માર્ચના સમયગાળા માટે શહેરમાં હોટલોને લગભગ સંપૂર્ણપણે બુક કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગની ફાઇવસ્ટાર હોટલોમાં ૯૦ ટકાથી વધારે ઓકયુપંસી હતી. અમદાવાદના એક હોટલ ધંધાર્થીએ નામ ના છાપવાની શરતે કહ્યું કે વિદેશી દૂતાવાસો અને મુખ્ય મેન્યુફેકચરીંગ કંપનીઓના પ્રતિનિધીઓ અમારી હોટલમાં રહેવાની આશા હતી. અત્યારે ૧૦ થી ૧૪ માર્ચ માટે અમારી પાસે ૭ ટકા બુકીંગ રહી ગયું છે.
હોટલ વ્યવસાયીઓને એડવાન્સ સંપૂર્ણપણે પરત કરવા માટે મજબૂર કરી શકાય છે. સુત્રોએ કહ્યું કે મોટા ભાગની હોટલોમાં રૂમ ૨૫૦૦ રૂપિયાના ભાવે મળે છે જેમાં અમુકના ભાવ તો તેનાથી પણ વધારે હોય છે. અમદાવાદ, ગાંધીનગર અને અન્ય સ્થળો વચ્ચે મહેમાનોના આવાગમન માટે અમદાવાદ અને દેશના અન્ય ભાગોમાંથી વિવિધ પ્રકારની ૭૫૦૦ કાર ભાડે લેવાઇ હતી.