અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ અત્યંત ગંભીર વળાંક લીધો છે. રોજેરોજના દર્દીઓના આવી રહેલા આંકડા અને મૃત્યુનું વધી રહેલું પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે. આજે એક જ દિવસમાં નવા ૨૭૪ દર્દીઓ જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે સારવાર દરમિયાન ૨૩ દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારાઓમાં ૧૪ પુરુષ અને ૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૩૮૧૭ અને મૃત્યુનો આંક ૨૦૮નો થઈ ગયો છે. જ્યારે ૫૩૩ દર્દીઓ સાજા થઈ જતાં તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આજે થયેલા મૃત્યુમાં ૪૩થી લઈને ૭૫ વર્ષના દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં ૪ જેટલા દરદીઓ એવા હતા જેમને બીજો કોઈ જ રોગ ન હતો. એક એસવીપીમાં અને બાકીના મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં નોંધાયા છે. છેલ્લા છ દિવસથી અચાનક જ દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં વધારો નોંધાયો છે. છ દિવસમાં ૧૪૩૮ દર્દીઓ અને ૯૯ મૃત્યુ નોંધાયા છે. જો આ જ ક્રમમાં વધારો થતો રહેશે આવતું નવું સપ્તાહ ખૂબ જ ભયાવહ સાબિત થશે. ડબલીંગ રેટ પણ ઉંચો જશે. નવા નવા વોર્ડ રેડઝોનમાં સામેલ થતા જશે અને કેસરી ઝોન એટલા પ્રમાણમાં સંકોચાશે, લૉકડાઉન લંબાયું છે અને મ્યુનિ. તંત્ર પ્રયાસો કરી રહ્યું છે પણ તેનું પરિણામ કેમ નથી દેખાતું તે મોટો પ્રશ્ન છે.
દરમ્યાનમાં આજે નોંધાયેલા નવા દર્દીઓમાં રેડ ઝોનના ૧૦ વોર્ડ સહિત અન્ય પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં પણ દર્દીઓ નોંધાયા છે. શહેરમાંતી ૩૦૧૬૪ સેમ્પલ લેવાયા હતા. તેમાંથી ૩૫૪૩ પોઝિટિવ આવ્યા છે એટલે કે ૧૧.૭૪ ટકા પોઝિટિવ હોય છે. બીજી તરફ સંક્રમણને અટકાવવા ૧૪ દિવસના લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ જ એક માત્ર અસરકારક ઉપાય હોવાની બાબત પર આજે કમિશ્નરે ભાર મૂકીને લોકોને ઘરમાં જ રહેવા વારંવાર અનુરોધ કર્યો છે. કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તારના લોકો ત્યાંથી બહાર ના જાય અને બહારની કોઈ વ્યક્તિ અંદર ન આવે તે માટે કડક બાન મૂકી દેવામાં આવેલ છે.
બીજી તરફ જે વિસ્તારમાંથી દર્દીઓ બહાર આવે તેની વિગતો બે દિવસ રહીને જાહેર કરાય છે એટલે આંકડામાં ગોટાળા થતા હોવાની છાપ પણ લોકમાનસમાં ઉભી થવા પામી છે. સેમ્પલ કલેક્શનની કામગીરી કરનારાઓને રોજેરોજ અલગ અલગ ફોર્મેટ અને એપ્લિકેશન ડાઉનલૉડ કરવાની સૂચના અપાય છે તેથી અસંતોષ પેદા થયો છે. મૃત્યુના આંકડામાં પણ સરકાર અને મ્યુનિ. વચ્ચે સંકલન ન હોવાથી વારંવાર વિસંગતતાઓ સપાટી પર આવી જાય છે.