અમદાવાદમાં કોરોનાનો કેર થોડો ધીમો પડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 198 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે અથવા ઘેરબેઠાં સારવાર ચાલુ કરી છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ 13 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થઇ ગયેલાં 170 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
આ સાથે જીલ્લાના વિસ્તાર સહિત અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા 20480ની થઇ છે તેમજ કુલ મૃત્યુ આંક 3523ને આંબી ગયો છે. કોરોનાના દર્દીની સંખ્યા ઓછી થઇ છે, પણ તેનો વ્યાપ વધ્યો છે. લગભગ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા કેસો નોંધાતા જ રહે છે. અગાઉ હાહાકાર મચી ગયો હતો તેવા કાલુપુર, ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, અસારવા, શાહીબાગને સમાવતા મધ્યઝોનમાં ગઇકાલે માત્ર 6 દર્દી જ નોંધાયા છે.
બીજા રેડ ઝોન દક્ષિણ ઝોનમાં 24, પૂર્વ ઝોનમાં 26 અને ઉત્તર ઝોન 31 દર્દી નોંધાયા હતા. જ્યારે તેની સામે પશ્ચિમ ઝોનના પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતીમાં 64 અને નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરા વગેરે વિસ્તારોમાં 46 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કુલ 197 દર્દીઓમાં 110 તો માત્ર પશ્ચિમ પટ્ટાના છે. તેવી જ રીતે 2921 એકટિવ દર્દીઓમાંથી 1489 આ વિસ્તારના છે.
અગાઉ નદીના પૂર્વપટ્ટામાં કોરોનાએ જોર પકડયું હતું ત્યારે પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના અધિકારીઓએ સંક્રમણ અટકાવવા કોઇ જ આક્રમક પગલાં કે એગ્રેસીવ ટેસ્ટીંગની કામગીરી કરી જ ના હતી. પૂર્વમાંથી પશ્ચિમ તરફ સંક્રમણ આવે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ બ્રિજ પણ બંધ કરાવી દીધા હતાં. પણ ઝોનના અધિકારીઓએ સેવેલી ઘોર બેદરકારીના પરિણામે કેસો વધી ગયા છે.