વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા ફોજદારી માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને 7 જૂને હાજર થવા માટે નવેસરથી સમન્સ જારી કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે કેજરીવાલે મોદીની ડિગ્રી અંગે સવાલ ઉઠાવ્યા હતા અને ગુજરાત યુનિવર્સિટી પાસેથી ડિગ્રીની વિગતો માગી હતી.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે. પંચાલની કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ મોકલ્યા હતા. અગાઉ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે બંનેને 23 મેના રોજ હાજર થવા માટે અગાઉ જારી કરાયેલા સમન્સ તેમને મળ્યા નથી.
અગાઉ, એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે AAP નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ તેમના “વ્યંગાત્મક” અને “અપમાનજનક” નિવેદનો બદલ ફોજદારી માનહાનિની ફરિયાદમાં સમન્સ જારી કર્યા હતા.
.AAPના ગુજરાતના લીગલ સેલના વડા પ્રણવ ઠક્કરે સોમવારે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને હજુ સુધી કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સ મળ્યા નથી.
ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે જણાવ્યું હતું કે 23મેએ આરોપીએને હાજર રહેવાની તાકીદ કરાઈ હતી, પરંતુ આપેલ તારીખે કોઈ હાજર ન હોવાથી તે સ્પષ્ટ નથી કે તેઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા કે નહીં. ન્યાયાધીશે સ્ટાફને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો તથા કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ આપ્યા હતા.