કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે આર્થિક ગતિવિધિ પર બ્રેક લાગે નહીં માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-૪માં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આંશિક રાહત-છૂટછાટ આપવામાં આવેલી છે. જેના અનુસાર ગુજરાતમાંથી ૩૧.૦૩ લાખની વસતી કન્ટેઇનમેન્ટ હેઠળના વિસ્તારમાં છે.
ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૨.૯૮ લાખ લોકો કન્ટેઇનમેન્ટ હેઠળ છે અને તેમાં ૨.૬૧ લાખ ઘરનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાંથી ૮.૪૩ લાખ, ગાંધીનગરમાંથી ૪૨૭૮૨, વડોદરા શહેરમાંથી ૫૩૯૮૨, ભાવનગર શહેરમાંથી ૧૪૮૩૭, રાજકોટ શહેરમાંથી ૩૦૧૦૫, જામનગર શહેરમાંથી ૧૪૮૦૩, જુનાગઢ કોર્પોરેશનમાંથી ૫૦૦ લોકો કન્ટેઇનમેન્ટ હેઠળ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર રાજ્યના જિલ્લાઓને રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં રેડ ઝોનમાં અમદાવાદ-સુરત-વડોદરા, ઓરેન્જ ઝોનમાં આણંદ-મહેસાણા-અરવલ્લી-બનાસકાંઠા-ભરૂચ-ભાવનગર-બોટાદ-ગાંધીનગર-ગીરસોમનાથ-કચ્છ-ખેડા-મહીસાગર-પંચમહાલ-પાટણ-રાજકોટ-સાબરકાંઠા-છોટા ઉદેપુર જ્યારે અન્ય જિલ્લાઓ ગ્રીન ઝોનમાં છે.