અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 247 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ નોંધાયા છે. આ સાથે અમદાવાદ જીલ્લાના કુલ દર્દીઓનો આંકડો 11344નો થયો છે. જ્યારે મૃત્યુ આંક 780ને આંબી ગયો છે. તેમજ સાજા થયેલા 381ને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા અપાઇ છે. અમદાવાદમાં કોરેન્ટાઇન કરાયેલા વિસ્તારો કરતાં તેની નજીકના વિસ્તારોમાં સંક્રમણ વધ્યુ છે. ઉત્તર ઝોનના નરોડામાં બે દિવસમાં 45, બાપુનગરમાં 27, ઠક્કરનગરમાં 18 કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલે શાહીબાગમાં 23 કેસ નોંધાયા છે.

બીજી તરફ 1000થી વધુ બેડ ચાલુ કરાયા હોવા છતાં એસવીપી હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવામાં ગલ્લાં તલ્લાં કરાય છે. 108ના ડ્રાયવરો દર્દીને સ્પષ્ટ સંભળાવી દે છે કે એસવીપીવાળા ના કહે છે. 1000 બેડમાં ગઇ કાલે 551 બેડ ભરાયેલા હતા, તે પહેલાં તો દર્દીઓની સંખ્યા 450ની આસપાસ થઇ ગઈ હતી. ઉપરના અધિકારીઓએ આઇસીયુ વિભાગની અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને જ લેવાની કડક સૂચના આપી હોવાનું બહાર આવ્યું છે.

જો કે હાલ તો આઇસીયુ બેડ પણ ફુલ છે. સાદા બેડ પર બહુ ઓછાને ખાસ કરી ભલામણવાળાઓને જ એડમીટ કરાય છે. ખાનગી હોસ્પિટલો તરફ દર્દીઓને વાળવાનો પણ આમાં ઇરાદો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કઈ ખાનગી હોસ્પિટલમાં કઈ વિશેષ સુવિધા છે, તે બાબતની કોઇ જ જાહેરાત કરાઇ નથી. મ્યુનિ.માં હાલ 10 જેટલા તો આઇએએસ અધિકારીઓ મુકાયા છે, પરંતુ લોકો સુધી પારદર્શક રીતે તમામ માહિતી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે.

ઉપરાંત જુની વીએસ હોસ્પિટલનો ઉપયોગ કેમ નહીં ? તે પ્રશ્ન હવે લોકો પણ ગંભીર રીતે પૂછી રહ્યાં છે. આ હોસ્પિટલના વેન્ટીલેટર સહિતના કિંમતી સાધનો ધૂળ ખાય રહ્યાં છે, તેના પરથી ધૂળ ખંખેરવાનો અને ઉપયોગમાં લેવાનો વિચાર પણ કોઇને આવતો નથી. આ હોસ્પિટલ અન્ય રોગો માટે રાખવામાં આવી છે તેવી દલીલ એક તરફ કરાય છે, તો બીજી તરફ ત્યાં સ્ટાફ જ નહીં હોવાની કબુલાત પણ કરાય છે. જો સ્ટાફ જ ના હોય તો અન્ય રોગમાં કઇ રીતે સારવાર આપી શકશો ? આવી વિરોધાભાસી દલીલોમાં એક વાત સ્પષ્ટ થાય છે કે, તંત્ર વીએસ પરત્વેનો ચોક્કસ પ્રકારનો પૂર્વાગ્રહ છોડવા તૈયાર નથી.

તેમજ એસવીપીમાં દર્દી ના લેવા હોય તો તે જાય કઇ હોસ્પિટલમાં ? તેનું માર્ગદર્શન આપતા નથી તો કોઇ નોડલ ઓફિસર નક્કી કર્યા કે નથી તો સેન્ટ્રલ ડેસ્ક ઉભું કર્યું. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે ‘ઓનલાઇન’ જરૂરી વિગતો મુકવાનું પણ, માહિતી છૂપાવવામાં માહિર અધિકારીઓને સુજતું નથી. રોગચાળા અંગે બ્રિફીંગ બંધ થયું, પ્રેસનોટમાંથી વિગતો અડધી થઇ ગઇ તેની સાથે 7.30 વાગ્યે મુકાઇ જતી પ્રેસનોટ એક કલાક જેટલી મોડી મુકવાનું પણ ચાલુ કરાયું છે.