અમદાવાદમાં કોરોનાના નવા ૨૬૨ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે ૨૧ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા ૩ દિવસમાં જ ૮૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર સહીત દર્દીઓની કુલ સંખ્યા ૮૯૪૫ની થઈ છે, જ્યારે કુલ મૃત્યુ આંક ૫૭૬ના આંકડાને આંબી ગયો છે.
આજે નોંધાયેલા મૃત્યુમાં ૧૨ પુરૂષ અને ૯ મહિલાનો સમાવેશ થવા જાય છે. નવા ૧૮૨ સાથે ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓનો આંકડો ૩૦૨૩નો થયો છે, જ્યારે ૫૩૪૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. રેડઝોન ઉપરાંતના વિસ્તારોમાં પણ રોજેરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
બીજી તરફ અમદાવાદમાં એસવીપી અને સિવિલ બન્ને મોટી હોસ્પિટલોમાં કોરોનાના નવા દર્દીને દાખલ થવામાં ભારે હાલાકી પડી રહી છે. બેડ ફુલ હોવાનું કહી દેવામાં આવે છે. આ સંજોગોમાં દર્દીને જવું ક્યાં તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. ખાનગી ૪૨ હોસ્પિટલોના નામો જાહેર કરાયા છે, તેમાંથી મોટાભાગની હોસ્પિટલો સાથે તો મ્યુનિ.ના હજુ કરાર જ થયા નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે વધુ બેડની ક્ષમતાવાળી મોટી હોસ્પિટલોના તો નામ પણ હજુ લેવાયા નથી.
વી.એસ.ને તો ભૂલાવી દેવાના જ જાણે કે પ્રયાસો થઈ રહ્યાં છે. ૧૩૩૧થી વધુ દર્દીઓ તો ઘેરબેઠાં હોમ-આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલો સાથેના એમઓયુ – કરાર અંગે એવું જાણવા મળે છે કે, મોટા ભાગની હોસ્પિટલોના સંચાલકો અમારી પાસે હાલ ડૉક્ટર નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, લીફ્ટ બંધ છે જેવા જુદાં જુદાં બહાના કાઢીને એમઓયુમાં સહીઓ કરતાં નથી, ઉપરાંત જે હોસ્પિટલો સાથે અગાઉ એમઓયુ થયા છે, તેમાં પણ પ્રશ્નો છે.
એક ટ્રસ્ટની હોસ્પિટલમાં એક દર્દી દાખલ થવા ગયો, તેને શ્વાસ ચડતો હતો. હોસ્પિટલના સંચાલકોએ કહ્યું કે આઈસીયુ બેડ અને ઓક્સીઝન અંગેની શરત અમારા કરારમાં ના હતી, દર્દીને બીજે લઈ જાવ. આમ ગંભીર સ્થિતિમાં દર્દીને આમતેમ ભટકવું પડે છે. કોરોનાના ટેન્શનમાં હોસ્પિટલ નક્કી કરવાનું ટેન્શન ઉમેરાતા લોકો ત્રાસી જાય છે.
ઉપરાંત હોસ્પિટલોની ફીની રકમ, તેમાંથી દર્દીએ કેટલી ચુકવવાની છે, મ્યુનિ. કેટલી મદદ કરશે વગેરે બાબતો સંપૂર્ણ અસ્પષ્ટ છે. ખાનગી હોસ્પિટલો પણ દાખલ કરવા ના કહી દેતી હોવાનું ચર્ચાય છે. સરકાર અને મ્યુનિ. જાગશે નહીં અને ઓચીંતા દર્દીની સંખ્યા વધી જશે તો અરાજકતાભરી સ્થિતિ સર્જાશે તેવું આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. મ્યુનિ.એ નક્કી કરેલી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઉપલબ્ધ સુવિધા, ખર્ચની સંભાવના વગેરેની માહિતી લોકો સુધી પહોંચાડવા ઝડપથી પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.
કોરોના નામનો રાક્ષસ માત્ર ગુજરાતમાંથી ૭૦૦થી વધુ લોકોને ભરખી ચૂક્યો છે અને અનેક પરિવારોમાં ક્યારેય પૂરાય નહીં તેવી ખોટ સર્જી રહ્યો છે. આજે અમદાવાદના કઠવાડામાં માત્ર દોઢ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે ૭ થઇ ગયો છે. અમદાવાદ ગ્રામ્યમાં આજે કોરોનાના વધુ ૩ નવા કેસ નોંધાયા હતા. જેમાં દસક્રોઇ, સાણંદ, ધોળકામાંથી ૧-૧ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૪૦ થઇ ગયો છે. ધોળકામાંથી સૌથી વધુ ૫૯, દસક્રોઇમાં ૫૫ કેસ અત્યારસુધી નોંધાઇ ચૂક્યા છે.