અમદાવાદના પોલીસ કમિશનરે સોમવારે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. શહેરમાં સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસનો કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો હતો. સોમવારની સવારથી અમદાવાદ ફરી ધમધમતું થયું હતું. રોડ પર વાહનોની અને લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. AMTS અને BRTS બસ સેવા પણ શરૂ થઈ હતી.
દિવસનો કર્ફ્યુ પૂર્ણ થયો હોવા છતાં સતત ભીડભાડવાળા બજારોમાં પોલીસને ખડે પગે રાખવામાં આવી છે અને ભીડ ન થાય તે માટે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાજિક અંતર જાળવવા, ભીડ ન કરવા અને માસ્ક પહેરવા પોલીસ સમજણ આપી રહી છે.
