અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો રન-વે એપ્રિલ મહિનામાં 20થી 30 એપ્રિલ દરમિયાન બંધ રહેશે. આ દરમિયાન કુલ 62 ફ્લાઇટ્સ બંધ રહેશે. રન-વે પર રીસરફેસિંગની કામગીરી માટે કુલ નવ દિવસ સવારે 11થી 5 દરમિયાન તે બંધ રાખવામાં આવશે, જેથી ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર પણ થશે. ફક્ત શનિવાર, ૨૪ એપ્રિલે સમગ્ર દિવસ દરમિયાન રન-વે ખુલ્લો રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના રન-વે પર કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા હોવાનું બહાર આવ્યું છે. ફલાઇટના ટેઇકઓફ અને લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ગમે ત્યારે ફાટવાનો સતત ભય રહે છે. આથી કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય અને મુસાફરો માટે જોખમ ઊભું ન થાય તે માટે રન-વેના મેઇન્ટેનન્સની કાર્યવાહી કરવામાં આવશે. આ છ કલાકના સમયગાળા દરમિયાન રન-વે બંધ રહેશે અને ફલાઇટ્સનું સંચાલન થશે નહીં, ફક્ત વીવીઆઇપીની મૂવમેન્ટ રહેશે.
અમદાવાદ એરપોર્ટનો રન-વે સાડા ત્રણ કિ.મી લાંબો છે. આ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રન-વેને રીસરફેસ કરવા માટે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન પાસે મંજૂરી માગવામાં આવી છે. જો તે મળશે તો એપ્રિલમાં રન-વે હંગામી સમય માટે બંધ કરવામાં આવશે. અત્યારે પણ આ રન-વે દર રવિવારે મેઇન્ટેનન્સ માટે સવારે ૧૧ થી ૩ કલાક દરમિયાન બંધ રાખવામાં આવે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.