દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.
તેમજ એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી લોહી લુહાણ થયો છે.એબીવીપીનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં. આ લોકોએ એબીવીપીનાં કાર્યલય પર હુમલો કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ અંગે એબીવીપીનાં પ્રદેશ મંત્રીનું કહેવું છે કે, ‘દેશમાં દરેક લોકોને વિરોધ પ્રદર્શનનો હક છે. પરંતુ હિંસા કરવાનો હક નથી. NSUIનાં કાર્યકર્તાઓએ કૉંગ્રેસ સાથે મળીને અમારી પર હુમલો કર્યો છે.
અમે હિંસાને સમર્થન નથી આપતા પરંતુ અમારી પર કોઇ હાથ ઉઠાવશે તો અમે તે શાખી નહીં લઇએ.’ આ સામે એનએસયુઆઈનાં કાર્યકર્તા ભાવિક સોનીનાં જણાવ્યાં પ્રમાણે, ‘અમે શાંતી પૂર્વક દેખાવ કરતા હતા ત્યારે એબીવીપીનાં કાર્યકર્તાઓએ અમારી પર હુમલો કર્યો હતો. અમે પોલીસને આ અંગેની જાણ પોલીસને કરી હતી. અમે હિંસાને પ્રાધન્ય આપતા નથી. પરંતુ આવા ગુંડા તત્વો સામે પગલા લેવા જોઇએ. ‘