અમદાવાદના વાસણા વિસ્તારમાંથી યુવકનું ધડ અને પરિમલ ગાર્ડન પાસેથી મળી આવેલા બે પગના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યા હોવાનો રવિવારે દાવો કર્યો હતો. આ હિચકારી હત્યા કરનારું બીજુ કોઈ નહીં પણ સગો બાપ જ નીકળ્યો છે. સગા બાપે જ તેના પુત્રની હત્યા કરીને શરીરના વિવિધ અંગો કાપીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. આરોપી પિતાએ તેના 21 વર્ષીય પુત્રની હત્યા કરીને ગ્રાઈન્ડરની મદદથી શરીરના ટુકડા કર્યા હતા. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા એમાં આરોપી એક્ટિવા પર જતો અને પ્લાસ્ટિકની થેલી ફેંકતો ઝડપાઈ ગયો હતો. જો કે, પોલીસે રવિવારે આરોપી પિતાને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
અમદાવાદના પાલડી વિસ્તારમાંથી 20 જુલાઈએ પહેલાં એક યુવકનુ ધડ મળ્યું હતું. બે દિવસ પછી ગુજરાત કૉલેજ પાસે આવેલા કલગી ચાર રસ્તા પાસેથી એક પ્લાસ્ટિકની બેગમાંથી બે પગ મળ્યા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને તેમાં આરોપી લાશના ટુકડા લઈને જતો તથા ફેંકતો ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, આંબાવાડી વિસ્તારમાં રહેતા નિલેશ જોષીએ જ તેના પુત્રની હત્યા કરી લાશના ટુકડા કરીને અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને જાણવા મળ્યું હતું કે, આરોપી પિતા બસમાં બેસીને સુરત ગયો હતો. ત્યાંથી તે અવધ એક્સપ્રેસમાં બેસીને નેપાળના ગોરખપુર જવા માટે રવાના થયો છે. ત્યારે પોલીસે RPFની મદદ લઈને આરોપી પિતાને નિલેશ જોષીને ઝડપી પાડ્યો હતો..
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી નિલેશ જોષીની ઉંમર 65 વર્ષ છે અને તે નિવૃત્ત સરકારી કર્મચારી છે. તે એસટી વિભાગમાં ફરજ બજાવતો હતો. આરોપીના પત્ની અને દીકરી જર્મનીમાં રહે છે. જ્યારે આરોપી પિતા નિલેશ જોષી તેના 21 વર્ષીય પુત્ર સ્વયમ સાથે આંબાવાડી વિસ્તારમાં રહેતો હતો. મૃતક સ્વયમે ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલો હતો. પોતે કંઈ કામ ધંધો કરતો નહોતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. નશાના રવાડે ચઢી ગયો હોવાથી પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. હત્યાના દિવસે એટલે કે 18 જુલાઈએ પણ મૃતક દીકરો નશો કરીને ઘરે આવ્યો હતો અને તેણે પૈસાની માંગણી કરી હતી. જે બાદ પિતા અને પુત્ર વચ્ચે ભારે વિવાદ બાદ ઝઘડો થયો હતો. એ દરમિયાન મૃતક પુત્રએ પિતા પર હુમલો કર્યો હતો. ત્યારે પિતાએ રસોડામાં પડેલી પથ્થરની ખાંડણી લઈને સ્વયમ પર ઉપરા છાપરી ઘા કર્યા હતા. જે બાદ સ્વયમનું મોત થયું હતું.