પ્રતિક તસવીર

અમદાવાદના ઓઢવ વિસ્તારના વિરાટનગરના એક ઘરમાં મંગળવાર (29 માર્ચે) એક પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી ગઈ હતી. મૃતદેહોની ઓળખ સોનલ મરાઠી (37), દીકરી પ્રગતિ મરાઠી (15), દીકરા ગણેશ (17) અને સોનલના બા સુભદ્રાબેન (70)ના તરીકે થઈ હતી. પોલીસે ગુનો નોંધીને તેની તપાસ હાથ થઈ હતી.

પોલીસની આશંકા મુજબ આ હત્યા કેસમાં ઘરનો મોભી વિનોદ મરાઠી જ ગુનેગાર હોઇ શકે છે. પોલીસ દ્વારા ફરાર વિનોદને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને જરુરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પાછળનું કારણ પણ હજુ સુધી અકબંધ છે, જે હત્યારાની ધરપકડ બાદ ખુલે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓઢવ પોલીસે બંધ ઘરમાંથી ફરિયાદ બાદ તપાસ કરતા મહિલા તથા તેના બે બાળકો અને વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યા હતો.

મળતી વિગતો પ્રમાણે પોલીસે વિનોદ મરાઠીની શોધખોળ માટે બે ટીમ બનાવી છે જેમાં એક ટીમ ઘટના બની છે ત્યાંના સ્થાનિક વિસ્તારમાં તપાસ કરશે. જ્યારે એક અન્ય ટીમ વિનોદના મૂળ ગામમાં તપાસ કરવા માટે જશે. આ સાથે આસપાસના સ્થળોના CCTV ફૂટેજ અને કૉલ ડીટેઈલ્સની પણ તપાસ કરવામાં આવશે. ઘટના ચાર દિવસ પહેલા બની હોવાની સંભાવના છે ત્યારે FSLની ટીમ દ્વારા થનારી તપાસમાં પણ કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે છે અને તેના આધારે આરોપીની શોધખોળમાં મદદ મળી શકે છે.

આરોપીએ ચારને ધારદાર હથિયારથી ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. હત્યા પહેલા આરોપીએ શું પગલું ભર્યું હતું તે અંગેની વિગતો પોસ્ટમોર્ટમ અને એફએસએલના રિપોર્ટ્સમાં સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી.

વિનોદની પત્ની સોનલ મરાઠીની માતાએ પોતાની દીકરી તથા તેના બાળકો ફોન ના ઉપાડતા હોવાથી તેમના ગુમ થયાની ફરિયાદ પોલીસને કરી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા મંગળવારે રાત્રે બંધ ઘરમાંથી ચાર જણાના મૃતદેહ મળી આવ્યા હતા. વિનોદના સાસુએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિનોદ સામાન્ય બાબતોને લઈને સોનલ સાથે ઝઘડા કરતો હતો, લગભગ બે મહિના પહેલા વિનોદે સોનલ પર હુમલો કર્યો હતો જોકે, હોસ્પિટલમાં અકસ્માતે વાગી ગયું હોવાનું જણાવીને પોતાનો બચાવ કર્યો હતો.