અમદાવાદમાં શનિવાર, 26 જુલાઈ 2008ના રોજ 20 સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ બોંબબ્લાસ્ટમાં 58ના મોત થયા હતા અને 240થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારની સાંજે 6-10થી 8-05 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઉપરાછાપરી વિસ્ફોટ થતાં સમગ્ર શહેર હચમચી ઉઠ્યું હતું.
અમદાવદના ખાડિયા વિસ્તારમાં 3, બાપુનગર વિસ્તારમાં 2, રામોલ 2 અમરાઈવાડી 1, વટવા 1, દાણીલિમડા 1, ઇસનપુર 1, ઓઢવ 2, કાલુપર 1, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1, નરોડા 2, સરખેજ 1, નિકોલ 1 અને ખાત્રજમાં 1 બોંબ બ્લાસ્ટ થયા હતા. રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં 2002માં ગોધરા રમખાણોનો બદલો લેવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીને આ બોંબ બ્લાસ્ટ કર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.