અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 બુધવાર, 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.. શહેરને પોલ્યૂશન ફ્રી અને સ્વચ્છ બનાવવા પર ખાસ ફોકસ કરતાં આ બજેટનું કદ રૂ. 5656 કરોડ છે. બજેટમાં ખારીકટ કેનાલના 900 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ, 275 કિમીના નવા રસ્તા, 365 કરોડના વોટર પ્રોજેક્ટ્સ સહિતની અનેક દરખાસ્ત કરવામાં આવી છે. આ બજેટમાં કોઇ ટેક્સ કે ટેક્સ વધારાની દરખાસ્ત કરવામાં આવી નથી.
મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે દેશમાં પર્ફોમન્સની દ્રષ્ટિએ અમદાવાદ મહાનગરપાલિકા છઠ્ઠા ક્રમે આવે છે. આ વર્ષના બજેટમાં 100 ટકા વોટર સપ્લાય કવરેજ, મોબાઈલ એપ આધારિત સિસ્ટમ્સ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉભી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરુપે વીએસ, શારદાબેન અને એલજી જેવી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં નવા બિલ્ડિંગ પણ ઉભા કરવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા આ બજેટમાં પણ ટેક્સમાં વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે. શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રુફટોપ અને ઈવી ચાર્જિંગ બુથ ઈન્સેન્ટિવ સ્કીમ શરુ કરવામાં આવશે. બજેટની દરખાસ્ત અનુસાર, સોલાર રુફટોપ ઈન્સ્ટોલ કરાવનારા બંગલોઝને પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે ગ્રુપ હાઉસિંગ સ્કીમ્સમાં વરસાદી પાણીના સંગ્રહ, કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવવા પર 1-3 લાખ રુપિયાની ટેક્સમાં રાહત અપાશે.
તાજેતરમાં કોર્પોરેશનમાં સમાવાયેલા બોપલ, ઘુમા તેમજ કઠવાડા જેવા નવા વિસ્તારોમાં 150 કરોડના ખર્ચે સિવિક સેન્ટર્સ ઉભા કરવાનો પ્રસ્તાવ પણ આ બજેટમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરમાં 35 સ્માર્ટ સ્કૂલ શરુ કરવાની સાથે 15 સ્કૂલોને ઈંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ કરવામાં આવશે અને આ વર્ષથી મોબાઈલ નર્સરી સ્કૂલ પણ શરુ કરાશે. શહેરના 56 બગીચાંને પણ અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કરાયો છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં 10 નવા ઓક્સિજન પાર્ક બનાવવાનું પણ આયોજન છે. શહેરમાં આગના બનાવો વખતે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે ઉદ્દેશથી ત્રણ ફાયર ચોકી પણ સ્થાપિત કરવામાં આવશે અને બહુમાળી બિલ્ડિંગોમાં પણ ફાયર ફાઈટિંગની કામગીરી કરી શકાય તે માટે નવા સાધનો વિકસાવાશે.
જાહેર સ્થળો પર માત્ર મહિલાઓ માટે પિંક ટોઈલેટ શરુ કરવાની પણ દરખાસ્ત કરાઈ છે. કોર્પોરેશન પોતાના વેસ્ટ ટૂ એનર્જી પ્રોજેક્ટ્સ આ વર્ષે પણ ચાલુ રાખશે તેવું મ્યુ. કમિશનરે બજેટ સ્પીચમાં જણાવ્યું હતું. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક એસી બસોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં હજુય વધારો કરવા માટે આ બજેટમાં અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવી 100 ઈલેક્ટ્રીક બસ શહેરમાં દોડતી કરાશે. આ ઉપરાંત, છ રુટ પર લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે 600 ઈ-રિક્ષા પણ શરુ કરવામાં આવશે.