અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ કરતા કરતા નશીલા પદાર્થને રવાડે ચઢી ગયેલી સુખી સંપન્ન ઘરની 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે. ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી. એક ડ્રગ્સની પડીકી માટે ઘણા અનૈતિક કામ પણ કરી ચુકી હતી.
જોકે અમદાવાદ પોલીસના ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણ અને તેમની ટીમે આવી યુવતીઓને ડ્રગ્સ તેમજ દેહવેપારના ચંગુલમાંથી બહાર કાઢવાનું બિડુ ઝડપ્યું છે. આ સમગ્ર અભિયાન અને પોલીસની દ્રઢ સંકલ્પશકિતની શરૂઆત જુલાઈ 2020 માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન થઈ હતી. જેમાં પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે કોઈપણ હદે જવું અને ડ્રગ્સ પેડલર કહે તેની સાથે હોટેલ સુધી જવાની તેની મજબૂરી અને તૈયારીઓ જોઈ ને પોલીસે આવી યુવતીઓને આ દલદલમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું. આ તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવવા સાથે તેમના ભવિષ્યને ધ્યાને રાખીને તેમની ઓળખ કોઈપણ ભોગે જાહેર ન થાય તે રીતે આ યુવતીઓનું કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન કરવાનું શરું કરવામાં આવ્યું. ઝોન 3 ડીસીપીએ અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગની યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ અને બી. ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખાદેખી માં ડ્રગ્સ ની લતે ચઢી ગયેલ છે. ત્યાર બાદ કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની લત પૂરી કરવામાં પોતાના પોકેટ મની પૂરા થઈ જતા હોવાથી શરીર વેચવા સુધી મજબૂર થઈ જાય છે