સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉ-તે વાવાઝોડુ મંગળવારે બપોર પછી અમદાવાદ આવી પહોંચી ચુક્યું હતું, અમદાવાદમાં 45 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધૂકામાં ભારે વરસાદ ચાલુ થયો હતો. સાવચેતીના પગલાં તરીકે સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું હતું અને વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા હતા.
અમદાવાદ જિલ્લાના ધોળકા, બગોદરા, વિરમગામ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા અને બગોદરામાં અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ર4 કલાકમાં 61 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હતા. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 40 વૃક્ષો ધરાશાયી થયા હતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 72 જેટલા ભયજનક હોર્ડીંગ્સ અને બેનરો એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.