અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા હતા. દેશમાં કટોકટીને કારણે કોંગ્રેસ વિરુદ્ધ જનાઆક્રોશ હોવા છતાં ચૂંટણીમાં તેમનો વિજય ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. ચાર દાયકાથી વધુ લાંબા રાજકીય કરિયર છતાં તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો
અહેમદ પટેલ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલ મુદ્દો બનાવીને તેને લોકો સુધી જઈ લવાના મહારથી માનવામાં આવતા હતા.
અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા માટે ચૂંટાયા હતા અને 5 વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા. ઓગસ્ટ 2018માં અહેમદ પટેલને કોંગ્રેસના કોષાધ્યાક્ષ નીમવામાં આવ્યા હતા. તેઓ 1993થી રાજયસભા સંસદ હતા.
શરમાળ સ્વભાવ ધરાવનારા 71 વર્ષના અહેમદ પટેલની રાજકીય કારકિર્દી ખૂબ જ સફળ રહી હતી. જોકે રાજકીય બાબતોથી તેમણે પરિવારને દૂર રાખ્યો છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર રહ્યા છે અને તેમનો બિઝનેસ છે. તેમની પુત્રી મુમતાજ પટેલના લગ્ન વકીલાત કરનાર ઈરફાન સિદ્દીકીની સાથે થયા હતા.
અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવતા હતા. કોંગ્રેસ અને UPAના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો. UPAના 10 વર્ષના શાસન દરમિયાન તેઓએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.