ગુજરાત પોલીસે એક સપ્તાહમાં ચાર વ્યક્તિની ધરપકડ કરીને અમદાવામાંથી એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ડીલરે છેલ્લાં બે વર્ષમાં એર કાર્ગો કુરિયર મારફત અમેરિકા અને બીજા ભાગમાંથી કોકેઇન સહિત આશરે 100 કિગ્રા ડ્રગ્સની આયાત કરી હતી, એમ સોમવારે અધિકારીએ જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લા સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે આ ડ્રગ્સ રેકેટનો મુખ્ય આરોપી 27 વર્ષીય વંદિત પટેલ છે. આ આરોપીએ તેના સહયોગી પાર્થ શર્મા સાથે ડાર્ક વેબ મારફત અમેરિકા સ્થિત ડ્રગ સપ્લાયર્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને ડ્રગ્સ મેળવવા માટે ક્રિપ્ટો કરન્સીમાં આશરે રૂ.4 કરોડનું પેમેન્ટ આપ્યું હતું.
વંદિત પટેલ અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં સલુન ધરાવે છે. પટેલ અને શર્માની 17 નવેમ્બરે રૂ.3.5 લાખના ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી હતી. બીજી બે કથિત પેડલર્સ વિમલ ગોસ્વામી અને જિલ પરાનેનેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ગોસ્વામીએ 2016માં લંડનમાંથી એમબીએ કર્યું હતું.
ગ્રામ્ય પોલીસના વડા વીરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર વંદિત પટેલ મોબાઇલ અને લેપટોપની મદદથી ડાર્ક વેબ પર વિવિધ ડ્રગ્સ સાઇટનું સર્ચિંગ કરી તેની પરના અલગ અલગ ગ્લેન રીલેટા, સ્ટુડિયોઝ કેલિફોર્નિયા (યુએસએ), લાઇફ ચેન્જીસ હેલ્થકેર (યુએસએ) ઉપર ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી વીકર મી, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવી અતિ ગુપ્ત એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી ક્રિપ્ટો કરન્સી મારફતે ચુકવણી કરતા હતા.
બાદમાં કાર્ગો એર કુરિયર દ્વારા ગુજરાત રાજસ્થાનમાં 50થી વધારે નામ-સરનામા ઉપર પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વંદિતે આ પ્રકારે અત્યાર સુધીમાં અલગ અલગ 50થી વધારે નામ સરનામા પર લોકોને નાણાંકીય લાલચ આપીને 300થી વધુ વખત વિવિધ ડ્રગ્સની ડીલીવરી મેળવી હતી.
પોલીસે આ નામ સરનામાવાળા લોકોની પૂછપરછ કરી રેકેટના મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. વંદિત પટેલ લાંબા સમય સુધી બંધ મકાનોને ટાર્ગેટ કરીને આ મકનના નામા- સરનામા પર નશાકારક ડ્રગ્સનો ઓર્ડર આપી પાર્સલ રિટર્ન વખતે ટ્રેકિંગ આઇ.ડી. દ્વારા ટ્રેક કરતો હતો.
આરોપી વંદિત પટેલે વિદેશમાંથી વેબસાઇટ મારફતે કુલ 27 જેટલા ડ્રગ્સના પાર્સલનો ઓર્ડર આપ્યો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેમાંથી 3 પાર્સલની ડીલીવરી કરવામાં આવી હતી જ્યારે બાકીના 24 પાર્સલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે. આ તમામ પાર્સલો સંદર્ભે પોલીસ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મેળવશે.