અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે ડબલ મર્ડરનો કેસ નોંધાયો હતો. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ન થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. ઈસનપુર પોલીસે વરુણ પંડ્યા નામના આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ આરોપીના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તે અને તેની માતા કાકા સાથે રહેતા હતા. આરોપી યુવક કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી પરિવારે ઠપકો આપતા આવેશમાં આવીને બંનેની હત્યા કરી નાખી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આરોપી માતા અને કાકાની હત્યા કર્યાં બાદ બે દિવસ મૃતદેહની બાજુમાં લોહીલુહાણ હાલતમાં બેસી રહ્યો હતો.
મણિનગરની સુમનસજની સોસાયટીમાં રહેતા રજની પંડ્યાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન પુત્ર વરુણ તથા રજનીભાઈના ભાઈ અમુલ પંડ્યા સાથે રહેતા હતા. અમુલભાઈ મ્યુનિ.માં ફરજ પરથી નિવૃત્ત થયા હતા. જ્યારે વરુણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો. કોઈક કારણોસર વરુણ પંડ્યાએ બે દિવસ પહેલા તેની માતા વંદનાબેન કાકા અમુલ પંડ્યા બંનેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી વરુણ ઘરમાં બંને લાશની સાથે રહ્યો હતો. દરમિયાન તેને પોતાના કરતૂત પર શરમ આવતા તેણે પોતાનો જીવ આપી દેવા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.