અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવાર યોજાયેલી રેવન્યુ કમિટીની બેઠકમાં રૂ.15 લાખથી મોંઘી કારના આજીવન વ્હીકલ ટેક્સમાં 0.5થી 2 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત હવે બીજી સપ્ટેમ્બરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે.
રૂા.15 લાખથી રૂા.25 લાખના ફોર વ્હિલર્સ માટેના વ્હિકલ ટેક્સને 3 ટકાથી વધારીને 3.5 ટકા કરવાની તથા રૂા.25 લાખથી રૂા.50 લાખ સુધીના વ્હિકલના ટેક્સના ચાર ટકા કરવામાં આવ્યો છે. રૂા. 50 લાખથી વધુ કિંમતના ફોર વ્હિલર્સના ટેક્સને 3 ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
આ વધારો પહેલી ઓક્ટોબર 2021થી અમલી બનશે અને તેનાથી મ્યુનિ.ની વ્હીકલ ટેક્સની આવકમાં વર્ષે રૂા.10 કરોડનો વધારો થવાનો અંદાજ છે. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનના વ્હીકલ ટેક્સમાં 100 ટકા રાહતની જાહેરાત કરાઈ છે.
દ્વિચક્રી ઈલેક્ટ્રીક વાહનોને તો અગાઉ 2021-22ના બજેટમાં જ વ્હીકલ ટેક્સમાં રાહતનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવેથી કાર સહિતના તમામ ઈલેક્ટ્રીક વાહનોને વ્હીકલ ટેક્સમાંથી 100 ટકા રાહત આપવાનું નક્કી કરાયું છે. જ્યારે એસયુવી પ્રકારના મહત્તમ ઇંધણનો ઉપયોગ કરતાં વાહનોનો વપરાશ વધતો જાય છે. જેના વપરાશથી પોલ્યુશનમાં ભારે વધારો થતો હોય છે.