ગુજરાતમાં કોરોનાનો સત્તાવાર અત્યાર સુધીનો મૃત્યુઆંક 7,000ને પાર થયો છે ત્યારે અમદાવાદમાં વિવિધ સ્મશાનગૃહોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહોમાં થતી લાઈનમાં ઘટાડો કરવા માટે શહેરમાં વિવિધ જગ્યા પર નવા ચિતા બનાવવા માટે લોખંડની એંગલો ગોઠવવામાં આવી રહી છે. સત્તાવાર ડેટા મુજબ ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા 14,327 કેસ નોંધાયા હતા અને 180ના મોત થયા હતા. રાજયમાં છેલ્લાં છ દિવસમાં 1,000 લોકોના મોત થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જૂદા-જૂદા સ્મશાનમાં લગભગ 10થી વધુ નવી ચિતા બનાવવામાં આવી છે. અમદાવાદના કુલ 24 સ્મશાન ગૃહોમાંથી માત્ર 12 જગ્યા પર જ CNG અને લાકડાથી અંતિમવિધિ કરવાની વ્યવસ્થા છે. અન્ય 12 સ્મશાનગૃહોમાં CNG સ્મશાન માટે ચીમની લગાવવા સહિતની વ્યવસ્થાઓ માટે કામગીરી શરુ કરવામાં આવી છે. વાડજમાં બંધ પડેલી CNG ભઠ્ઠીને પણ ચાલુ કરવાની કામગીરી કરાઈ છે.
એક દિવસમાં થતી અંતિમવિધિની સંખ્યામાં મોટો વધારો થવાના કારણે લાકડાની પણ અછત વર્તાઈ રહી હતી, જેને પૂર્ણ કરવા માટે વન વિભાગ દ્વારા લાકડા પૂરા પાડવા માટેની જાહેરત કરવામાં આવી છે, જોકે બગીચા ખાતા દ્વારા પાછલા કેટલાક દિવસોથી અલગ-અલગ સ્મશાનમાં લાકડા પહોંચાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં પણ સ્મશાનમાં વેઈંટિંગ વધવાથી અને CNG સ્મશાન બંધ થઈ જવાના કારણે ડમ્પિંગ યાર્ડની બાજુમાં ચિતા ગોઠવવામાં આવી હતી જેની સામે નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.