ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા 279 હતી, જ્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા 385 હતી, જે 38 ટકા વધુ છે.
છેલ્લાં 20 દિવસમાં આ સ્થિતિ જોવા મળી છે. મેના બીજા સપ્તાહમાં હોસ્પિટલમાં 1,200 બેડની કોવિડ ફેસિલિટી લગભગ ફુલ થઈ ગઈ હતી અને બ્લેક ફંગસના દર્દી માટે 22 બેડનો એક વોર્ડ હતો.
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે કોરોનાના 12 વોર્ડ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લાં બે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસના 852 દર્દીની સારવાર કરવામાં આવી છે, જેમાંથી 456ની સર્જરી કરાઈ હતી. જોકે બ્લેક ફંગસના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા સાત દર્દી દાખલ થયા હતા. ગયા સપ્તાહે આ સંખ્યા 18થી 20 હતી. સોમવારે 26 સર્જરી અથવા કલાકમાં એક કરતાં વધુ સર્જરી કરવામાં આવી હતી.