ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં આવેલા કિડની હોસ્પિટલોમાં ફરીથી કોરોનાના દર્દીઓને દાખલ કરાશે.
અમદાવાદમાં SVP હોસ્પિટલમાં કોરોનાના 500 દર્દીઓની ક્ષમતા વધારી કુલ 1,000 પથારી કરવા નિર્ણયનો લેવાયો હતો. અમદાવાદમાં એસ એમ શાહ હોસ્પિટલ, GCS હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલના નવા કેમ્પસમાં, કેન્સર હોસ્પિટલના નવા કેમ્પસમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાશે. આ તમામ હોસ્પિટલોમાં આગામી પાંચ દિવસમાં 1000 જેટલી પથારીઓ ઉપલબ્ધ થશે.
સાથે જ તેમણે કહ્યું કે, કોરોનાના દર્દીઓને માત્ર રેમડેસિવિરનો કોર્સ પૂરો કરવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય એમના માટે ઈન્જેકશન સેન્ટર્સ, નર્સિંગ હોમમાં દાખલ કરાવા વિચારણા છે. જ્યારે રાજ્યમાં કોરોનાની વેક્સીન માટે પંદર લાખ ડોઝનો જથ્થો મળી ગયો છે. આગામી ચાર દિવસ સુધીનો જથ્થો આવી ગયો છે અને હજુ જથ્થો મેળવવા કેન્દ્ર સરકાર પાસે પરામર્શ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં સંક્રમણને લીધે અમદાવાદમાં હોસ્પિટલોમાં પથારીઓ વધારાઈ છે. જેમાં SVP હોસ્પિટલમાં 1000 બેડ, મંજુશ્રી હોસ્પિટલમાં 208, કિડની હોસ્પિટલમાં 400, કેન્સર હોસ્પિટલમાં 175, સિવિલ નવી કેન્સર હોસ્પિટલમાં 108, યુ એન મહેતા હોસ્પિટલમાં 130, SMS હોસ્પિટલમાં 240, GCS હોસ્પિટલમાં 160 પથારી વધારાઇ છે. આ હોસ્પિટલોમાં નવા કોરોના દર્દીઓને હવે પાંચ દિવસમાં દાખલ કરી શકાશે.