બ્રિટનની બત્રીસ જૈન સંસ્થાઓનું સંગઠન ધરાવતી અને ગવર્મેન્ટ અને ઇન્ટરફેઈથ બાબતોમાં સક્રિય એવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના 18મા જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના “અહિંસા દિવસ”ની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી. 2020નો અહિંસા એવોર્ડ કેન્યાના વિજ્ઞાન શિક્ષક અને ફ્રાન્સિસ્કન ફ્રીયર પીટર તબાચીને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મેહૂલ સંઘરાજકાએ કહ્યું હતું કે ‘’અહિંસા અને અનુકંપા એ જૈન ધર્મના મહત્વના સિદ્ધાંતો છે. સામાન્ય રીતે લંડનના પેલેસ ઑફ વેસ્ટમિનિસ્ટરમાં યોજાતી “અહિંસા ડે”ની ઉજવણી કોવિડ-19ને કારણે ઑનલાઈન ઉજવાઇ હતી જેના વિશ્વના તમામ દર્શકો જોઈ શક્યા છે. મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના સંદર્ભમાં દર ઑક્ટોબર મહિનામાં આ પ્રસંગ યોજવામાં આવે છે.’’
હેરો વેસ્ટના એમ.પી. અને જૈન ઑલ પાર્ટી ગ્રૂપના અધ્યક્ષ ગેરેથ થોમસે વિડિયો દ્વારા પોતાના સંદેશામાં કહ્યું હતું કે ‘’જૈન સમાજે પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં ઝૂમ ઇવેન્ટ કરવાની અને તહેવારોની ઓનલાઈન ઉજવણી કરવાની બાબતને ખૂબ ઝડપથી અપનાવી લીધી છે.’’
હેરો ઇસ્ટના એમ.પી. અને ડેપ્યુટી ચેરમેન પદ્મશ્રી બોબ બ્લેકમને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘’જૈન સમાજે નેશનલ હેલ્થ સર્વિસ તથા એના અગ્રણી કાર્યકરોને ઘણી સહાય કરી છે અને હેરો તથા અન્ય સ્થળે વસતા વૃદ્ધોને જરૂરી મદદ પહોંચાડી છે.’’
મિનિસ્ટર ઑફ ફેઇથ સ્ટીફન ગ્રીનહાફે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ‘’નિઃસ્વાર્થ સેવા અને અનુકંપાના ક્ષેત્રમાં મહત્વનું કાર્ય કરનારને દર વર્ષે અપાતો અહિંસા એવોર્ડ આજે એક મહત્વની ઘટના બની રહ્યો છે.’’
એવોર્ડ વિજેતા પીટર તબાચી અત્યંત દુષ્કાળગ્રસ્ત એવા રીફ્ટ વેલી પ્રોવિન્સનાં ગામડામાં શિક્ષણકાર્ય કરે છે અને ગામડાંના સ્થાનિક લોકોના બાળકોના શિક્ષણ માટે પોતાનો એંસી ટકા પગાર દાનમાં આપે છે. અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ચાલતી આ શાળામાં પીટરના પ્રયત્નોથી વિદ્યાર્થીઓની હાજરીમાં ઘણો સુધારો નોંધાયો, સ્થાનિક સ્તરે થતી હિંસા ઓછી થઈ છે, એટલું જ નહીં પણ એમણે સ્થાનિક જાતિઓને દુષ્કાળનો સામનો કરી શકે એવા પાક ઉગાડવાની સમજ આપી છે.
પીટરના વિદ્યાર્થીઓ ઇન્ટેલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં છેક ફાઈનલ સુધી પહોંચ્યા છે અને રોયલ સોસાયટી ઑફ કેમેસ્ટ્રીના એવોર્ડ પણ મેળવ્યા છે. માત્ર થોડા જ વર્ષોમાં પીટરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારી દીધી છે.
ડૉ. મેહૂલ સંઘરાજકાએ કહ્યું હતું કે ‘’અમે 2020નો અહિંસા એવોર્ડ મેળવવા માટે બ્રધર પીટરને હાર્દિક અભિનંદન આપીએ છીએ. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજ સમક્ષ શાંતિ, પ્રેમ અને અનુકંપાનું મૂર્તિમંત દ્રષ્ટાંત બની રહ્યા છે અને એ રીતે અહિંસાનો સંદેશો ફેલાવી રહ્યા છે. તેઓ એમના કાર્યમાં વધુને વધુ સફળતા પામે અને સમાજમાં નેતાઓને માટે તથા શિક્ષકોને માટે દીવાદાંડીરૂપ બની રહે એવી ભાવના રાખીએ છીએ.’’
આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ દસ વર્ષ પહેલાં લોંચ કરેલી અને ઘણાં ફેરફારો કરીને તૈયાર કરવામાં આવેલી Jainpedia.orgની સાઈટ ફરી લોંચ કરી હતી. દર વર્ષે એક મિલિયન પેજ આપતી આ સાઇટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રમાણભૂત વાચન પૂરું પાડે છે.
વેબસાઈટ રી-લોંચીંગ પ્રસંગે કેલિફોર્નિયમાં વસતા અને આ વર્ષે 97મા વર્ષમાં પ્રવેશનારા વિખ્યાત જૈન સ્કોલર અને લેખક પ્રો. પદ્મનાભ જૈનીએ શુભેચ્છા પાઠવી હતી. Jainpedia.orgમાં એક્ઝિક્યૂટીવ એડિટર અને આ વેબસાઈટના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર પ્રો. નલિની બલબીરે પણ પેરિસના નિવાસસ્થાનેથી પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.