તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદમાં શુક્રવાર 20 નવેમ્બરથી અનિશ્ચિત મુદત માટે રાતના નવથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે લોકોને ટોળે ન વળવાનો આદેશ આપ્યો પણ છે.
રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડી આ નિર્ણયની જાહેરાત કરી હતી. કર્ફ્યુ દરમિયાન એસઓપીનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા તેમણે તાકીદ કરી છે. બીજી સુચના ન મળે ત્યાં સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે. નોંધનીય છે કે પહેલી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો.
અસારવા સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કુલ મળીને 400થી વધુ પથારી ઉપલબ્ધ કરાવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400થી વધુ પથારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક આવેલા વિસ્તારો સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ પથારીની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ પથારીઓ આજે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.