ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુરુવારે નવ ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી હતી. અગાઉ પાર્ટીએ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી હોવાથી તેને કુલ 19 ઉમેદવારો અત્યારથી જાહેર કરી દીધા છે.
પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકી દીધું હતું અને ભાજપ-કોંગ્રેસની પહેલા જ 10 ઉમેદવારોની યાદી બહાર પાડીને ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટેની પોતાની પૂર્વતૈયારી દર્શાવી હતી.
પાર્ટીએ રાજુ કરપડાને ચોટીલા વિધાનસભા બેઠક, પીયૂષ પરમારને માંગરોળ (જૂનાગઢ) બેઠક, કરસનભાઈ કરમૂળને જામનગર ઉત્તર, નિમિષા ખૂંટને ગોંડલ બેઠક, પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટરને ચોર્યાસી (સુરત) બેઠક, વિક્રમ સોરાણીને વાંકાનેરની બેઠક, ભરત વખાલાને દેવગઢ બારિયાની બેઠક, જેજે મેવાડાને અસારવાની બેઠક, વિપુલ સખિયાને ધોરાજીની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.
ઉમેદવારો ચૂંટણી માટે પૂરતી તૈયારીઓ કરી શકે તે માટે આમ આદમી પાર્ટીએ વહેલાં જ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતની 1 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.