વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલા ન્યૂજર્સી સ્થિત એક રેસ્ટોરાંએ ‘મોદીજી થાળી’ શરૂ કરી છે. શેફ શ્રીપદ કુલકર્ણીએ તૈયાર કરેલી આ થાળીમાં ખીચડી, રસગુલ્લા, સરસોં કા સાગ, કાશ્મીરી દમ આલૂ, ઇડલી, ઢોકળા, છાસ અને પાપડ જેવી પરંપરાગત ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે.
શેફ કુલકર્ણીના જણાવ્યા અનુસાર ભારતીય ડાયસ્પોરાની માંગ પ્રમાણે થાળી તૈયાર કરવામાં આવી છે. ભારત સરકારની ભલામણ બાદ યુએન દ્વારા 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે. તેથી આ થાળીમાં મિલેટની વાનગીઓનો સમાવેશ કરાયો છે.
રેસ્ટોરન્ટના માલિક ટૂંક સમયમાં વિદેશ પ્રધાન એસ જયશંકરને સમર્પિત બીજી વિશેષ થાળી શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે “અમે આ થાળીને ટૂંક સમયમાં લોન્ચ કરવાની યોજના ઘડી રહ્યા છીએ. હું ખૂબ જ સકારાત્મક છું કે તે લોકપ્રિયતા મેળવશે. હું ડૉ. જયશંકર થાળી પણ લોન્ચ કરવાની યોજના ધરાવું છું, કારણ કે તેઓ પણ ભારતીય અમેરિકન સમુદાયમાં રોકસ્ટાર જેવી અપીલ ધરાવે છે.”