ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી(AAP)એ બુધવારે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી કુલ કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
AAPનાપ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના ઉમેદવારોની આ ત્રીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ કૈલાસ ગઢવીને માંડવી કચ્છની બેઠક, દિનેશ કાપડિયાને દાણીલીમડા બેઠક પરથી, ડૉ. રમેશ પટેલને ડીસા બેઠક પરથી, લાલેશ ઠક્કરને પાટણ બેઠક, કલ્પેશ પટેલ (ભોલાભાઇ)ને અમદાવાદની વેજલપુર બેઠક પરથી, વિજય ચાવડાને સાવલી બેઠક, બીપિન ગામેતીને ખેડબ્રહ્મા બેઠક પરથી, પ્રફુલ વસાવાને નાંદોદ, જીવણ જૂંગીને પોરબંદર, અરવિંદ ગામીતને નીઝર બેઠકના ઉમેદવાર બનાવ્યાં છે.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે અને આગામી ચૂંટણી બહુમતી સાથે જીતીશું.
અગાઉ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા માટે પ્રથમ યાદીમાં 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 ઉમેદવારોજાહેર કર્યા હતા. ગુજરાતમાં BTP સાથે સંગઠનની જાહેરાત બાદ પણ AAPએ ગુજરાતની તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે.