ગુજરાતમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.જો તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર તાજેતરમાં જ કરવામાં આવ્યો છે. મકાનની લે-વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરિપત્રથી ઘણી મોટી અસર ભાડાના વેપાર પર પડશે. રાજ્ય સરકારે 11 માર્ચે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અશાંત વિસ્તારમાં કોમી એક્તા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા ઘડવામાં આવેલો છે.
આ કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઈસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવાની રહેશે. કલેક્ટરની પૂર્વ મંજૂરી મળ્યા પછી જ મિલકત તબદીલ ટ્રાન્સફર કરી શકાય છે. અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પ્રોપર્ટીને ભાડેથી આપવા, બક્ષીસ, ગીરો કે અન્ય કઈ રીતે વિધર્મઓને તબદીલ કરેલ હોય તેનું ધ્યાને આવેલું છે. જેના કારણે સમયાંતરે બે કોમ વચ્ચે ઘર્ષણ થવા અંગેના બનાવો ખાસ કરીને સુરત શહેરમાં બનવા પામ્યા છે. પરોક્ત પરિપત્રનો અમલ ફક્ત સુરત માટે હતો પરંતુ રાજ્ય સરકારે તેનો અમલ હવે સમગ્ર રાજ્યના તમામ અશાંત વિસ્તારોમાં કરવાનો આદેશ કર્યો છે.