ભૂમિદળ, નૌકાદળ અને હવાઇદળે રવિવાર (19 જૂન)એ અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની ભરતીનું સમયપત્ર જારી કર્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે લશ્કરી દળોમાં સૈનિકોની સરેરાશ વયમાં ઘટાડો કરવા માટે આ યોજનાનો અમલ થઈ રહ્યો છે.
આ યોજનાનો જોરદાર બચાવ કરતાં લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ એ પૂરીએ જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી લશ્કરી દળોની એજ પ્રોફાઇલમાં ઘટાડો કરવાની વિચારણા હતી. કારગીલ સમીક્ષા સમિતિએ પણ પણ તે અંગે નિરીક્ષણ કર્યા હતા.
પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર અગ્નિપથ યોજનાનો અમલ કરવા આગળ વધી રહી છે. તેમણે અનુરોધ કર્યો હતો કે યુવાનોએ આ યોજના સામેના વિરોધને બંધ કરવો જોઇએ.આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌકાદળની યોજનાની વિગતો આપતા વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નૌકાદળનું હેડક્વાર્ટર 25 જૂન સુધી ભરતી માટેની વ્યાપક ગાઇડલાઇન જારી કરશે. અગ્નિવીરોની પ્રથમ બેચ 21 નવેમ્બર સુધીમાં તાલિમ પ્રોગ્રામમાં સામેલ થશે. નૌકાદળ આ યોજના હેઠળ અગ્નિવીરો તરીકે પુરુષ અને મહિલા બંનેની ભરતી કરશે.
અગ્નિવીરોની ભરતીની હવાઇદળની યોજના અંગે એર માર્શલ એસ કે ઝાએ જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 24 જૂનથી ચાલુ થશે અને પ્રથમ તબક્કાની ભરતીની ઓનલાઇન એક્ઝામની પ્રક્રિયા 24 જુલાઈથી ચાલુ થશે. 30 ડિસેમ્બર સુધીમાં પ્રથમ બેચની તાલિમ ચાલુ કરવાની યોજના છે.
આર્મીની ભરતી યોજના અંગે લેફ્ટનન્ટ જનરલ બંસી પોનાપ્પાએ જણાવ્યું હતું કે આર્મી સોમવારે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરશે અને પહેલી જુલાઈથી ભરતીના વિવિધ યુનિટ દ્વારા તે પછીના નોટિફિકેશન જારી કરાશે. અગ્નિપથ હેઠળ ભરતી મેળા ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારતભરમાં યોજાશે. 25,000 સૈનિકોની પ્રથમ બેચ ડિસેમ્બરના પ્રથમ અને બીજા સપ્તાહમાં ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ થશે. બીજા બેચની તાલિમ 23 ફેબ્રુઆરીથી ચાલુ થશે. આશરે 40,000 સૈનિકોની પસંદગી માટે દેશભરમાં કુલ 83 ભરતી મેળા યોજાશે.