કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી મુખ્યપ્રધાનના હોદ્દા માટે કોંગ્રેસમાં બે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલુ થઈ હતી અને પક્ષ માટે નવા મુખ્યપ્રધાનનું નામ જાહેર કરવાનું મુશ્કેલ બન્યું હતું. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ રવિવારે બેઠક યોજીને આગામી મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને સત્તા આપી હતી, પરંતુ બે મુખ્ય દાવેદાર સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારના સમર્થકો વચ્ચે જોરદાર સૂત્રોચ્ચાર થયો હતો.
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલે કહ્યું કે કેન્દ્રીય નિરીક્ષકો ધારાસભ્યોનો અભિપ્રાય લેશે અને તેની માહિતી પાર્ટી અધ્યક્ષને આપશે. તમામ ધારાસભ્યોના અભિપ્રાય લેવાની આ પ્રક્રિયા આજે જ પૂર્ણ થશે. ત્રણ કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં રવિવારે સાંજે બેંગલુરુની એક ખાનગી હોટલમાં કોંગ્રેસ વિધાયકદળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમના નેતાની પસંદગી કરવાની પક્ષને અધ્યક્ષને સત્તા આપતો એક ઠરાવ સર્વસંમતીથી પસાર થયો હતો. જોકે હોટેલની બહાર સિદ્ધારમૈયા અને શિવકુમારના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. બેંગલુરુ શહેરમાં બંનેના સમર્થકોએ પોસ્ટર્સ લગાવ્યા હતા.
સિદ્ધારમૈયા (75), અને શિવકુમાર (60) બંનેએ મુખ્યપ્રધાન બનવાની તેમની મહત્વાકાંક્ષાને છુપાવી નથી. ચૂંટણી પહેલા કોંગ્રેસ એકજૂથ રહેવામાં સફળ રહી હતી, પરંતુ મુખ્યપ્રધાનની પસંદગીની પ્રક્રિયા દરમિયાન પાર્ટીમાં એકતા જાળવી રાખવાનું મુશ્કેલ બન્યું છે.
શિવકુમારને કોંગ્રેસ પક્ષ માટે “ટ્રબલ શૂટર” માનવામાં આવે છે, જ્યારે સિદ્ધારમેયા રાજ્યભરની જનતા પર પ્રભાવ ધરાવે છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પહેલા શિવકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે દરેકને સાથે લઈને પાર્ટી માટે સખત મહેનત કરી છે અને ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું નથી.
સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને પોતાના વફાદાર ધારાસભ્યો સાથે બેઠકો કરી હતી. બંને નેતાઓના સમર્થકો વચ્ચે પોસ્ટર્સવોર ફાટી નીકળ્યું હતું અને બંને જૂથોએ પોતાના નેતાને આગામી મુખ્યપ્રધાન તરીકે રજૂ કર્યાં હતા. વિધાયકદળની બેઠક પહેલા કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકોએ સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે બેઠકો યોજી હતી.