કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 13મેએ ભવ્ય વિજય પછી પણ મુખ્યપ્રધાન અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે. સીએમ પદના બે મુખ્ય દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે અલગ-અલગ બેઠક કરી હતી. પાર્ટીના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધી પણ આજે સવારે ખડગેના નિવાસસ્થાને ગયા હતા અને 90 મિનિટ સુધી બેઠકમાં હાજર રહ્યાં હતા. દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જી પરમેશ્વરાએ પણ સીએમની રેસમાં ઝુકાવતા જણાવ્યું હતું કે જો પાર્ટી હાઈકમાન્ડ તેમને સરકાર ચલાવવા માટે કહે તો તેઓ જવાબદારી નિભાવવા તૈયાર છે.
બંને નેતાઓએ કર્ણાટકમાં મુખ્યપ્રધાનપદ અને સરકારની રચનાની રચના અંગે ચર્ચાવિચારણા કરી હતી. ખડગે અને રાહુલ ગાંધી વચ્ચેની બેઠક દરમિયાન કર્ણાટકના પ્રભારી AICC મહાસચિવ રણદીપ સુરજેવાલા અને મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલ પણ હાજર હતાં. જો કે, મુખ્ય પ્રધાન પદ માટે સંભવિત પસંદગી કોણ છે અને ક્યારે નિર્ણય લેવામાં આવશે તે અંગે પક્ષના ટોચના નેતાઓએ કોઇ સત્તાવાર ખુલાસો કર્યો ન હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય લેતા પહેલા સોનિયા ગાંધી સાથે પણ ચર્ચાવિચારણા કરાશે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ હૈદરાબાદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નિર્ણય એક-બે દિવસમાં જાણી શકાશે.મુખ્યમંત્રીની નિમણૂક કરવી એ સરળ બાબત નથી. તે દિલ્હીથી લાદી શકાય નહીં… દરેકના દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવા પડશે.
કર્ણાટક પીસીસીના પ્રમુખ શિવકુમાર આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા અને સીધા તેમના ભાઈ ડી કે સુરેશના ઘરે ગયા હતા. બાદમાં તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ ખડગેને મળ્યાં હતાં અને બંને વચ્ચે લગભગ અડધો કલાકની બેઠક ચાલી હતી.
સીએમનું પદ નહીં મળે તો રાજીનામું આપશો કે નહીં તેવા સવાલના જવાબમાં શિવકુમાર કહ્યું હતું કે પક્ષ તેમની માતા છે અને તેમના સંગઠનમાંથી રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન નથી. જો કોઈ ચેનલ મારા રાજીનામાનો અહેવાલ આપશે તો હું માનહાનિનો કેસ દાખલ કરીશ. શિવકુમારના ભાઇએ જણાવ્યું હતું કે શિવકુમારના નેતૃત્વ હેઠળ પક્ષનો વિજય થયો છે તેથી સીએમ પદ માટે તેમનો હક છે.