હિન્ડનબર્ગ રિસર્ચના રીપોર્ટ પછી ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે પ્રથમ એક્વિઝિશન કર્યુ કર્યું છે. અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે 600 મિલિયન ડોલરના સોદામાં ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી હતી. અદાણીએ ગયા વર્ષે સ્વીચ કંપની હોલ્સિમ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદી હતી.
અંબુજા સિમેન્ટ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના આ સોદા અંગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ સંપાદન સાથે અમે વર્ષ 2028 સુધીમાં અમારી સિમેન્ટ ક્ષમતા બમણી કરીશું. અદાણીના જણાવ્યા અનુસાર, કંપની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં 140 MTPA લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. કંપનીનો હેતુ સાંઘી ઇન્ડસ્ટ્રીઝને દેશની સૌથી ઓછી કિંમતની ક્લિંકર કંપની બનાવવાનો છે.
સાંઘી સિમેન્ટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની માલિકીની બ્રાન્ડ છે, જેની શરૂઆત 1985માં થઈ હતી. તેની ગ્રાઇન્ડીંગ ક્ષમતા વાર્ષિક 6.1 મિલિયન મેટ્રિક ટન અને ક્લિંકર ક્ષમતા વાર્ષિક 6.6 મિલિયન મેટ્રિક ટન છે. કંપની પાસે 130 મેગાવોટનો કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ, કેપ્ટિવ માઈન્સ, વોટર ડી-સેલિનેશન ફેસિલિટી અને ગુજરાતના કચ્છમાં કેપ્ટિવ બંદર પણ છે જે 1 MTPA કાર્ગોનું સંચાલન કરે છે.